9 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ, તારીખ પણ નક્કી: દિલ્હીના CM માટે ભાજપનો પ્લાન તૈયાર
Delhi CM: દિલ્હીને આગામી સપ્તાહે નવા મુખ્યમંત્રી મળવાનો આશાવાદ છે. વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપે નવ ધારાસભ્યોની યાદી તૈયાર કરી છે. વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ બાદ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે.
વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ભાજપના અન્ય ટોચના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે પસંદગી કરવામાં આવશે. ભાજપે દિલ્હી વિધાનસભામાં 70માંથી 48 બેઠક પર જીત મેળવી છે. જેમાંથી મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને સ્પીકર બનાવવા માટે પસંદગી કરવા નવ ધારાસભ્યોની યાદી તૈયાર કરાઈ છે. આ મુદ્દે ધારાસભ્યોની આગામી બેઠક 17 કે 18 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર, રશિયાને ઝટકો આપવાની તૈયારી
શપથ ગ્રહણની તૈયારીઓ શરુ
દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપની આક્રમક જીત બાદ વડાપ્રધાન મોદી 10 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે હતા. જેના લીધે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહની તારીખ લંબાવવામાં આવી હતી. પીએમ મોદી ભારત આવવા રવાના થયા છે. આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચશે. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રીની પસંદગી અને મંત્રી પદોની ફાળવણી પર નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રીની રેસમાં કોણ કોણ સામેલ
ભાજપે કોઈપણ દિગ્ગજ નેતાના ચહેરા વિના જ દિલ્હીમાં જીત મેળવી હતી. દિલ્હીમાં મુખ્યમંત્રી માટે અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માની પસંદગી થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. આ સિવાય ભાજપ નેતા સતિશ ઉપાધ્યાય, આશિષ સુદ અને જિતેન્દ્ર મહાજનનું નામ પણ સીએમ રેસમાં સામેલ છે. વિજેન્દ્ર ગુપ્તાને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ નિષ્ણાતો આપી રહ્યા છે.