શિંદેના દાવપેચ! ભાજપના જ નેતાઓના ઉદાહરણ આપી મહારાષ્ટ્રના CM પદનું કોકડું ગૂંચવ્યું
Maharashtra Politics: ભાજપે મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરી દીધી છે. જલ્દી જ મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય દળની મીટિંગ થશે, જેમાં મુખ્યમંત્રીનું એલાન કરવામાં આવશે. હજુ સુધી મુખ્યમંત્રીની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ જ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપની ચોંકાવનારી નીતિને જોતા કંઈ પણ થઈ શકે છે. ભાજપ માટે આંતરિક રાજકારણને સાધવા માટે સૌથી કઠિન એકનાથ શિંદેની શિવસેનાને સાથે લઈને ચાલવાનું છે. જેના કારણે મુખ્યમંત્રી પદ ભાજપને મળવા પર એકનાથ શિંદે જૂથે સંમતિ વ્યક્ત કરી છે, પરંતુ મંત્રાલયની વહેંચણી પર હજુ સંમતિ નથી બની શકી.
એકનાથ શિંદે ભાજપથી નારાજ?
ખાસ કરીને ગૃહ મંત્રાલયની દાવેદારીનો સ્વીકાર ન કરાતા એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યા છે. આ જ કારણ હતું કે, તે મુખ્ય મીટિંગ મૂકીને સતારા સ્થિત પોતાના ઘરે જવા નીકળી પડ્યા હતાં. જોકે, હાલ ગૃહ વિભાગ માટે એકનાથ શિંદેની શિવસેનાની દલીલ પણ ભાજપવાળી જ છે. તેમનું કહેવું છે કે, જ્યારે ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રાલય લીધુ હતું તો હવે તેમના મુખ્યમંત્રી છે તો અમને મંત્રાલય કેમ નથી આપવામાં આવતું? શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે, આ વખતે પણ મંત્રાલયોની વહેંચણી તે જ પ્રકારે થવી જોઈએ. આ એક નેચરલ પેટર્ન છે. જો અમે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી રહ્યા છીએ તો પછી ગૃહ મંત્રાલય અમને મળવું જોઈએ.
આ પણ વાંચોઃ ફડણવીસ સિવાય CM તરીકે કોઈ મંજૂર નહીં, નિર્ણયમાં વિલંબ થતાં ભાજપ પર ભડક્યું RSS
ભાજપની શિવસેનાને સલાહ- મીડિયાથી બચો, બેસીને વાત કરીએ
વળી, ભાજપ એવો સંદેશ આપવા નથી ઈચ્છતી કે, તે એકનાથ શિંદેની અવગણના કરી રહી છે કારણકે, તે મરાઠા નેતા છે અને શિવસેનાની હિન્દુત્વ તરફી છબી છે. પરંતુ, તે શિંદે સામે ઝૂકવા પણ નથી ઈચ્છતા. તેથી, પોતાની તરફથી જ મુખ્યમંત્રીના શપથ સહિત ઘણી જાણકારી શેર કરવામાં આવી છે. શિવસેના નેતા સંજય શિરસાટેના નિવેદન પર પણ ભાજપે વળતો જવાબ આપ્યો છે. પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, મીડિયામાં નિવેદનો આપીને કંઈ ન થઈ શકે. કોઈપણ નિર્ણય ત્રણેય જૂથના નેતાઓ સાથે બેસીને ચર્ચા કર્યા બાદ જ લેવામાં આવશે.
આ પણ વાંચોઃ CMના ચહેરાની મથામણ વચ્ચે મહાયુતિએ શપથ ગ્રહણની તારીખ જાહેર કરી, જાણો ક્યાં થશે કાર્યક્રમ!
ભાજપના એક નેતાએ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે, વિભાગોની વહેંચણીમાં 2022ની ફોર્મ્યુલા નહીં ચાલે. ભાજપ નેતાએ કહ્યું, અમારી પાસે એકનાથ શિંદેની શિવસેના કરતાં બમણાંથી પણ વધારે ધારાસભ્ય હતાં. તેમ છતાં 2022માં અમે તેમને મુખ્યમંત્રી પદ આપ્યું અને અઢી વર્ષ સુધી તેઓએ જવાબદારી પણ સંભાળી. અમે નાયબ મુખ્યમંત્રીની ગૃહ મંત્રાલયની સાથે સમજૂતી કરી હતી.
નોંધનીય છે કે, આ બધી વાતોને લઈને સમજૂતી નથી થઈ રહી અને દબાણ બનાવી રાખવા માટે એકનાથ શિંદે ગામડે જતા રહ્યાં. માનવામાં આવી રહ્યું છે કે, આ દબાણની રાજનીતિ છે, પરંતુ ભાજપ હાલ એક હદથી વધારે ઝૂકવા માટે તૈયાર નથી.