હરિયાણામાં ભાજપની માઈક્રો મેનેજમેન્ટ સાથેની જબરદસ્ત વ્યૂહનીતિ કામ કરી ગઈ
Haryana Politics: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત વ્યૂહનીતિ અપનાવીને કોંગ્રેસને કારમી પછડાટ આપી છે. ભાજપે કોંગ્રેસને કલ્પના પણ ના આવે એ રીતે ત્રિપાંખિયો હુમલો કરીને કોંગ્રેસના જડબામાંથી નિશ્ચિત મનાતી જીત આંચકીને રાજકીય કુશળતાનો પરિચય આપ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી તેની પાછળ ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને માઈક્રો મેનેજમેન્ટની ક્ષમતા છે. વધારે મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસને ભાજપની વ્યૂહનીતિની ગંધ સુધ્ધાં ના આવી. તેના કારમે કોંગ્રેસ અતિ આત્મવિશ્વાસમાં રહી અને કારમી પછડાટ મળી.
કોંગ્રેસ ચક્રવ્યૂહમાં ફસાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીની કમાન હતી. શાહે વિધાનસભાની તમામ 90 બેઠક પર અલગ અલગ વ્યૂહનીતિના અપનાવીને એવો ચક્રવ્યૂહ રચ્યો કે, કોંગ્રેસને ચક્રવ્યૂહમાં પોતે ફસાઈ ગઈ છે એવો ખ્યાલ સુધ્ધાં ના આવ્યો. કઈ બેઠક પર કોણ કોંગ્રેસને નુકસાન કરશે ત્યાંથી માંડીને ક્યા અપક્ષને ઊભો રાખવાથી ભાજપને ફાયદો થશે ત્યાં સુધીનું જબરદસ્ત માઈક્રો મેનેજમેન્ટ કરીને ભાજપે અકલ્પનિય જીત મેળવી.
આ પણ વાંચો: દર વખતે ગઠબંધન કામ કરે તે જરૂરી નથી, કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલે સુધારા ન કરે તો વિજય મુશ્કેલ
ભાજપે કોંગ્રેસની જાટ મતબેંક સામે બિન જાટ મતદારોને એક કર્યા, કોંગ્રેસના મતોને તોડવા માટે પોતાની અલગ અલગ બી ટીમો ઉતારી અને જ્ઞાતિવાદનાં સમીકરણોનો તોડ કાઢવા માટે મોટી સંખ્યામાં અપક્ષોને મેદાનમાં ઊતાર્યા. ભાજપના આ ત્રિપાંખિયા હુમલાને કોંગ્રેસને અંદાજ જ નહોતો તેથી મતગણતરીના દિવસ સુધી કોંગ્રેસ એવા ભ્રમમાં જ હતી કે, પોતે જંગી બહુમતીથી જીતી જશે પણ પરિણામ અલગ આવી ગયાં.
ભાજપે બી ટીમ મેદાનમાં ઊતારી
હરિયાણાની ચૂંટણીમાં ભાજપે અલગ અલગ 4 બી ટીમ મેદાનમાં ઊતારીને કોંગ્રેસની મતબેંકનાં સમીકરણો બગાડી નાખ્યાં. ભાજપની પહેલી બી ટીમ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતાંત્રિક પાર્ટી (જેજેપી) અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (એજેપી)નું જોડાણ હતું. ભાજપની બીજી બી ટીમ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટી (એચએલપી) અને અભયસિંહ ચૌટાલાની ઈન્ડિયન નેશનલ લોકદળ (આઈએનએલડી)એ ત્રણ પાર્ટીનું જોડાણ હતું. આમ આદમી પાર્ટીને પણ ભાજપે પોતાની બી ટીમ તરીકે મેદાનમાં ઉતારી હતી.
આ વ્યૂહનીતિને જબરદસ્ત સફળતા મળી
છેલ્લે છેલ્લે ભાજપે દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિત ઠરેલા રામ રહીમ સિંહને પણ મતદાનના બે દિવસ પહેલાં પેરોલ પર છોડીને હુકમનો એક્કો ઉતારી દીધો હતો. આ ઉપરાંત ભાજપે 150 જેટલા અપક્ષ ઊમેદવારોને કોંગ્રેસના મતોને કાપવા પોતાના ખર્ચે મેદાનમાં ઉતાર્યા હતા.
ભાજપની આ વ્યૂહનીતિને જબરદસ્ત સફળતા મળી. ભાજપે અપક્ષ ઉમેદવારો અને પોતાની બી ટીમ જેવા લોકદળ અને બસપા સહિતના પક્ષોના ઉમેદવારોની મદદથી ભાજપ વિરોધી મતોમાં ગાબડાં પાડ્યાં. ભાજપે જીતેલી કુલ 48 બેઠકોમાંથી 23 બેઠકો એવી છે કે જે ભાજપ અપક્ષો તથા પોતાની બી ટીમ જેવા પક્ષોની મદદથી જીતી છે.
આ બેઠકો પર ભાજપને મળેલી સરસાઈ કરતાં અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારને મળેલા મત વધારે છે. આ ભાજપ વિરોધી મતો કોંગ્રેસને મળ્યા હોત તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ અલગ હોત. ભાજપે કોંગ્રેસના મત કાપવાની અપનાવેલી વ્યૂહનીતિના અત્યંત સફળ સાબિત થઈ છે.