Get The App

હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર જ્યોર્જ સોરોસ, કોંગ્રેસ પણ ભારત વિરોધી ટુલકિટનો હિસ્સોઃ ભાજપની ‘બ્લેમ ગેમ’ શરુ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
BJP Statements On Hindenburg

Image: IANS


BJP Blames On Congress For Hindenburg Report: હિંડનબર્ગનો સેબીના વડા પર આક્ષેપો કરતો રિપોર્ટ ફગાવતાં ભાજપે તેને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું છે.  જો કે, કેન્દ્ર સરકાર આ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપોનો જવાબ આપવાના બદલે પ્રત્યારોપ કરતાં બ્લેમ ગેમ રમી રહી છે. હિંડનબર્ગના અમુક સવાલોના સચોટ જવાબ કે સ્પષ્ટતા કર્યા વિના તે વિપક્ષ પર આકરા પ્રહાર કરી રહી છે.

ભાજપ નેતા રવિશંકર પ્રસાદે સોમવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અમેરિકી બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને વિપક્ષને આડે હાથ લીધા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું કે, મને આશા હતી કે, ત્રીજી વખત સત્તાથી દૂર થયા બાદ કોંગ્રેસ ટુલ-કિટનો ઉપયોગ નહીં કરે. પરંતુ ચૂંટણીમાં હાર્યા બાદ હવે કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવી રહી છે.

શેરબજારને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ રિપોર્ટ ભારતીય શેરબજારને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો એક ભાગ છે. તમે જોયું હશે કે, રિપોર્ટ શનિવારે રજૂ કરવામાં આવ્યો, જેથી સોમવારે માર્કેટ ખૂલે તો તેની અસર જોવા મળી શકે. તમામ આરોપોના જવાબ સેબીના વડા આપી ચૂક્યા છે. પરંતુ હિંડનબર્ગ ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, હિંડનબર્ગના પ્રથમ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી હિંડનબર્ગને નોટિસ પાઠવી હતી. આ નોટિસનો જવાબ આપવાની બદલે હિંડનબર્ગ ફરીથી પાયાવિહોણા આરોપો લગાવી રહી છે. આ મામલે સેબી અને સેબીના વડાએ સ્પષ્ટતા આપી દીધી હોવા છતાં અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા

ભારતની ઉભરતી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર

રવિશંકર પ્રસાદે આરોપ મૂક્યો છે કે, અમેરિકી બિઝનેસમેન જ્યોર્જ સોરોસ હિંડનબર્ગના મુખ્ય રોકાણકાર છે. તે એક ટુલ-કિટ ગેંગ છે, જે ષડયંત્ર રચી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. કોંગ્રેસ ઇચ્છે છે કે, ભારતમાં કોઈ આર્થિક રોકાણ થાય નહીં. ભારતનો વિકાસ રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ ભારતને નબળો પાડવા તેમજ આર્થિક સ્થિતિ બગાડવા માગે છે. 

કોણ છે જ્યોર્જ સોરોસ

જ્યોર્જ સોરોસ દાર્શનિક અને સામાજિક કાર્યકર તરીકે પોતાની ઓળખ આપે છે. જેમના પર વિશ્વના અનેક દેશોની રાજનીતિ અને સમાજને અસર કરતાં એજન્ડા ચલાવવાના આરોપો અવારનવાર લાગતા રહે છે. 11 નવેમ્બર, 2003માં એક ઇન્ટરવ્યુમાં સોરોસે કહ્યું હતું કે, તેમના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય જ્યોર્જ ડબલ્યુ બુશને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવાનો છે. જો કોઈ સત્તા પરથી બેદખલ કરવાની ગેરેંટી લે છે, તો તે તેના માટે પોતાનું સર્વસ્વ લુંટાવી દેશે.

ભારત વિરોધી નિવેદનો આપવા પ્રચલિત

હંગેરી-અમેરિકન મૂળ ધનિક જ્યોર્જ સોરોસ પોતાના નિવેદનોના લીધે હંમેશા ચર્ચામાં રહે છે, જેની નજર ભારત પર અને તેમાં થઈ રહેલા રાજકીય ફેરફારો પર હંમેશા રહે છે. સોરોસ ઘણા મંચ પરથી ભારતના વડાપ્રધાન મોદી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સતત સત્તામાં રહેવા બદલ તાનાશાહી નેતા કહ્યા છે.હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર જ્યોર્જ સોરોસ, કોંગ્રેસ પણ ભારત વિરોધી ટુલકિટનો હિસ્સોઃ ભાજપની ‘બ્લેમ ગેમ’ શરુ 2 - image


Google NewsGoogle News