‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ’ ભાજપે ત્રણ કૌભાંડ મુદ્દે વાડ્રા, રાહુલ, સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન
BJP Attack On Gandhi Family : ગાંધી પરિવાર અને તેમના જમાઈ રોબર્ટ વાડ્રા ભ્રષ્ટાચારના આરોપોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તપાસ એજન્સીઓએ તાજેતરમાં જ કાર્યવાહી કર્યા બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેના કારણે કોંગ્રેસે તપાસ એજન્સીઓ સામે આક્રોષ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવી છે, જ્યારે બીજીતરફ ભાજપ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ છે.
ભાજપે ત્રણ કૌભાંડનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રૉબર્ટ વાડ્રાને ભૂ-માફિયા ગણાવી આક્ષેપ કર્યો છે કે, ‘તેમણે ખેડૂતોની જમીન હડપી લીધી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધી કહ્યું કે, તેઓ નેશનલ હેરાલ્ડ કેસમાં સામેલ છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં તેમણે દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર બોફોર્સ કૌભાંડમાં સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.’
‘ગાંધી પરિવાર ભ્રષ્ટ અને ચોર’
ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, ‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ અને વારસાગત ચોર છે, તે કહેવું ખોટું નથી. વાડ્રાએ ખેડૂતોની જમીન હડપી લેવાનું કામ કર્યું. શું ગાંધી પરિવારે કસમ ખાધી છે કે, તેઓ જ્યાં પણ જશે, ત્યાં ભારત અને ખેડૂતોની જમીન લૂંટશે? આ લોકો એટલા બેશરમ છે કે, સવાલ સાંભળવા પણ માંગતા નથી. આ લોકો ઈચ્છતા નથી કે, કોઈ તેમને પ્રશ્ન કરે. કોંગ્રેસની દ્રષ્ટિએ અને તે લોકોની દ્રષ્ટિએ રોબટ વાડ્રા એક મોટો જનનેતા છે, પરંતુ પ્રજાની નજરમાં તેઓ એક ભૂ-માફિયા અને ભ્રષ્ટ વ્યક્તિ છે, આ જ હકીકત છે.’
#WATCH | Delhi | On Businessman Robert Vadra being interrogated by ED in the Gurugram land case, BJP leader Gaurav Bhatia says, "Now it will not be wrong to say that this fake Gandhi family is a hereditary corrupt and hereditary thief family. I say this because the brother-in-law… pic.twitter.com/aiJJQ5cJVb
— ANI (@ANI) April 17, 2025
સતત ત્રીજા દિવસે વાડ્રાની પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આજે (17 એપ્રિલ) સતત ત્રીજા દિવસે રૉબટ વાડ્રાની પૂછપરછ કરી. વાડ્રાએ આ કાર્યવાહીના રાજકીય ગણાવી અને આક્ષેપ કર્યો કે, ‘સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ઈડી દ્વારા ભાજપ સિવાયના નેતાઓ પર કાર્યવાહી થઈ રહી છે, જેના કારણે ઈડીની નિષ્પક્ષતા પર સવાલો થઈ રહ્યા છે.’
તેમણે ગઈકાલની પૂછપરછ બાદ કહ્યું હતું કે, 'ED મને ખૂબ પ્રેમ કરે છે તેથી જ તેઓ મને વારંવાર બોલાવતા રહેશે. જ્યારે પણ હું લોકો અથવા લઘુમતીઓના હિતમાં બોલું છું અથવા રાજકારણમાં પ્રવેશવાનું વિચારતો હોવાના સંકેત આપું છું, ત્યારે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે. આ કેસમાં કંઈપણ નથી. કોઈપણ બાબત સમજવામાં 20 વર્ષ લાગતા નથી. હું 15 વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં ગયો છું. મારી એક સમયે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે.’
શું હતો સમગ્ર કેસ?
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતા. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકર જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતાં વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હૉસ્પિટેલિટી પ્રાયવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન ઍન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાયસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી આપી ન હતી.