Get The App

ભાજપ કોંગ્રેસવાળી ભૂલ ના કરે, પક્ષ અડવાણીના સિદ્ધાંતો પર પાછો ફરે, નીતિન ગડકરીની ચેતવણી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
ભાજપ કોંગ્રેસવાળી ભૂલ ના કરે, પક્ષ અડવાણીના સિદ્ધાંતો પર પાછો ફરે, નીતિન ગડકરીની ચેતવણી 1 - image


Nitin Gadkari Warn BJP : ભાજપ એક અલગ પ્રકારનો પક્ષ છે અને આ જ કારણે પક્ષને વારંવાર જનતાએ મત આપ્યા છે તેમજ પક્ષે જનતાનો વિશ્વાસ જીત્યો છે. ભાજપે કોંગ્રેસે કરેલી ભૂલોનું પુનરાવર્તન ના કરવું જોઈએ તેવી ચેતવણી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ભાજપને આપી છે. તેમણે પક્ષને અડવાણીના સિદ્ધાંતો પર પાછા ફરવા અને જાતિવાદિ વિચારસરણી છોડવાની સલાહ આપી છે. 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભાજપે કોંગ્રેસે કરેલી ભૂલો કરવાનું ટાળવું જોઈએ. આ ભૂલોના કારણે જ દેશની જનતાએ સૌથી જૂના પક્ષને સત્તા પરથી હટાવી દીધો છે. ગડકરીએ એ બાબત પર ભાર મૂક્યો કે કોંગ્રેસ જે કરતી રહી તે આપણે પણ કરતા રહીશું તો સત્તા પરથી તેમના જવા અને આપણા આવવાનો કોઈ ફરક નથી.

ગોવાના પાટનગર પણજીમાં ગોવા ભાજપ કારોબારીની બેઠકને સંબોધન કરતા તેમણે ૪૦ મિનિટના ભાષણમાં તેમના ગુરુ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના કથનને યાદ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ એક અલગ પ્રકારનો પક્ષ છે. અડવાણીજી કહેતા હતા કે આપણે એક અલગ પક્ષ છીએ. આપણે સમજવું પડશે કે આપણે અન્ય પક્ષો કરતા કેટલાક અલગ છીએ. આપણે અડવાણીજીના સિદ્ધાંતો પર પાછા જવું જોઈએ.

નાગપુરથી ભાજપના સાંસદ ગડકરીએ કહ્યું કે, દેશની જનતાએ કોંગ્રેસની ભૂલોના કારણે જ ભાજપની પસંદગી કરી છે. આગામી દિવસોમાં પક્ષના કાર્યકરોને એ ખબર હોવી જોઈએ કે રાજકારણ સામાજિક અને આર્થિક સુધાર લાવવાનું એક સાધન છે. ભાજપે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવાનો છે અને તેના માટે આપણી પાસે યોજના હોવી જોઈએ.

દેશમાં જાતિવાદી રાજકારણ કરનારા નેતાઓ પર નિશાન સાધતા ગડકરીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં અત્યારે જાતિવાદનું રાજકારણ થઈ રહ્યું છે. હું કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવોને માનતો નથી અને જે તેની વાત કરશે તેને હું જોરદાર લાત મારીશ. મારા ચૂંટણી ક્ષેત્રમાં અંદાજે ૪૦ ટકા મુસ્લિમ છે. મેં તેમને પહેલા જ કહી દીધું હતું કે હું આરએસએસ વાળો છું અને અડધી ચડ્ડી પહેરું છું. એટલું જ નહીં એમ પણ કહ્યું કે કોઈને વોટ આપતા પહેલા વિચારી લેજો કે પાછળથી પસ્તાવું ના પડે. જે મને વોટ આપશે તેમનું પણ કામ થશે અને જે નહીં આપે તેમનું પણ કામ હું કરીશ.

તેમણે ઉમેર્યું કે, કોઈપણ વ્યક્તિ જાતિના આધારે મોટો નથી હોતો. ગરીબ, ભૂખમરી અને રોજગાર બધા માટે છે. સિલિન્ડર હોય કે અન્ય કોઈ વસ્તુ સવર્ણો હોય કે પછાત જાતિ બધા એક જ ભાવે તે ખરીદે છે. પેટ્રોલ હિન્દુ-મુસ્લિમ એક જ કિંમતે ખરીદે છે.


Google NewsGoogle News