ભાજપે મહિલા સાંસદ અને બોલિવૂડ સેલિબ્રિટીનું પત્તું કાપી ચોંકાવ્યાં, કેન્સર હોવાનો પણ ખુલાસો

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
ભાજપે મહિલા સાંસદ અને બોલિવૂડ સેલિબ્રિટીનું પત્તું કાપી ચોંકાવ્યાં, કેન્સર હોવાનો પણ ખુલાસો 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: ચંડીગઢમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે ચંડીગઢથી બે વખત સતત ચૂંટણી જીતી ચૂકેલા કિરણ ખેરની ટિકિટ કાપી નાંખી છે. હવે ભાજપે સંજય ટંડનને ટિકિટ આપી છે. સંજય ટંડન પહેલી વખત લોકસભા ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ ખેર પહેલા જ ચૂંટણી લડવાનું ના પાડી ચૂક્યા હતા, પરંતુ તેઓ ટિકિટની રેસમાં હતા. જો કે કેન્સરની બીમારી અને સાથે જ ચંડીગઢ શહેરમાં તેમની ગેરહાજરી ટિકિટ ન મળવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ટિકિટ મળ્યા બાદ સંજય ટંડને કહ્યું છે કે, ‘કિરણ ખેરે સારું કામ કર્યું છે અને હવે બહારના અને સ્થાનિક મુદ્દા ખતમ થઈ ગયા છે.’ બીજી તરફ, ટંડનને ટિકિટ મળ્યા બાદ કિરણ ખેરે તેમને શુભકામનાઓ પણ આપી હતી. 

કિરણ ખેરની ટિકિટ શા માટે કપાઈ

ચંડીગઢમાં લોકોની તરફથી સ્થાનિક વ્યક્તિને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવાની માગ કરવામાં આવી હતી. વિપક્ષ પણ સતત સાંસદ કિરણ ખેર પર નિશાન સાધતું હતું અને આરોપ લગાવતું કે ‘તેઓ શહેરમાં રહેતા જ નથી.' ભાજપ પણ સતત સર્વે કરાવી રહ્યું હતું. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા હવે સંજય ટંડનને તક આપવામાં આવી હોવાનું મનાય છે. ચંડીગઢમાં ફેબ્રુઆરીમાં રોઝ ફેસ્ટિવલ દરમિયાન સાંસદ કિરણ ખેરે નિવેદન આપ્યું હતું કે, ‘હું આગામી લોકસભા ચૂંટણી લડીશ નહીં. ઉલ્લેખનીય છે કે કિરણ ખેર 2014માં સક્રિય રાજકારણમાં આવ્યા હતા. તેમને 2014માં ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે તે દરમિયાન પણ સંજય ટંડન ટિકિટની રેસમાં હતા. 2019માં પણ ખેરને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા.  

કોણ છે સંજય ટંડન

સંજય ટંડન વર્તમાન સમયમાં નેશનલ એક્ઝિક્યુટિવના સભ્ય અને યૂટી ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. તેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1963માં પંજાબના અમૃતસરમાં થયો. તેમના પિતા બલરામજી દાસ ટંડન ફ્રીડમ ફાઈટર સિવાય આરએસએસ પ્રચાર અને જનસંઘના ફાઉન્ડર મેમ્બર હતા. તેમની માતા અમૃતસરમાં શિક્ષિકા રહી ચૂક્યા છે. સંજય ટંડનની બે બહેનો છે, જે દિલ્હીમાં છે.

સંજય ટંડનનું પ્રાથમિક શિક્ષણ અમૃતસરમાં થયું છે. વર્ષ 1977માં તેમના પિતા મંત્રી બન્યા ત્યારે તેઓ ચંડીગઢ શિફ્ટ થઈ ગયા. તેઓ સતત રાજકારણમાં પણ સક્રિય રહ્યાં છે અને ભાજપે તેમને ચંડીગઢથી અધ્યક્ષ પણ બનાવ્યા હતા.


Google NewsGoogle News