ભાજપે ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા સાંસદના ઉમેદવારો તરીકે નવા જ નામ જાહેર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ભાજપે ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા સાંસદના ઉમેદવારો તરીકે નવા જ નામ જાહેર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024 બુધવાર

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે. ભાજપે આ નવી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશથી માયા નારોલિયાને પણ રાજ્યસભા મોકલવામાં આવશે. આ સિવાય બંસીલાલ ગુર્જરને પણ તક મળી છે. ઉમેશ નાથ મહારાજ પણ મધ્ય પ્રદેશથી જ રાજ્યસભા જશે. ભાજપે આ વખતે મોટાભાગે રાજ્યસભા સાંસદોને બીજીવખત તક આપી નથી. અશ્વિની વૈષ્ણવ અને સુધાંશુ ત્રિવેદી જેવા નેતા જ અપવાદ છે.

પાર્ટી સૂત્રો અનુસાર આ વખતે જે નવા લોકોને તક આપવામાં આવી રહી છે તે ભલે સંસદીય રાજનીતિનો અનુભવ ધરાવતા નથી પરંતુ લાંબા સમયથી સંગઠનમાં યોગદાન આપતા રહ્યા છે. પાર્ટીની આ પાછળની એ રણનીતિ છે કે વધુથી વધુ નવા લોકોને તક મળે અને જૂના સ્થાપિત ચહેરાને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવે. જેનાથી ઈલેક્શનમાં માહોલ બને અને અશક્ય બેઠકોને પણ સરળતાથી જીતી શકાય. ભાજપે જે જૂના લોકોને બીજીવખત તક આપવામાં આવી નથી તેમાં મોટુ નામ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ છે. આ સિવાય મહારાષ્ટ્રમાં નારાયણ રાણે જેવા દિગ્ગજ નેતાને પણ તક મળવા જઈ રહી નથી.

નવા ચહેરા માયા નરોલિયા, ઉમેશનાથ મહારાજ અને બંસીલાલ ગુર્જર કોણ છે

આ વખતે રાજ્યસભા ઉમેદવાર જાહેર કરવામાં આવેલા નેતાઓમાં બંસીલાલ ગુર્જર ભાજપના કિસાન મોર્ચેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેઓ લાંબા સમયથી સંગઠનની રાજનીતિ કરી રહ્યા છે. આ સિવાય ઉમેશ નાથ મહારાજ સંત છે અને તેમના મધ્ય પ્રદેશમાં મોટી સંખ્યામાં અનુયાયી છે. લિસ્ટમાં સામેલ એકમાત્ર મહિલા ચહેરો માયા નારોલિયા પ્રદેશના મહિલા મોર્ચાના અધ્યક્ષ રહ્યા છે અને જાટ સમુદાયથી આવે છે. તેઓ મધ્ય પ્રદેશના જ હોશંગાબાદમાં નગર પાલિકાના અધ્યક્ષ પણ રહ્યા છે. તેમનો રાજકારણમાં લાંબો અનુભવ છે અને સંગઠન માટે ખૂબ કામ કર્યુ છે. જેના કારણે તેમને રાજ્યસભા મોકલીને સન્માન આપવામાં આવ્યુ છે. 


Google NewsGoogle News