ભાજપને લાગશે જોરદાર ઝટકો! જે રાજ્યમાં 25 બેઠકો જીતી ત્યાં હવે 50 ટકા ગુમાવી શકે : સરવે
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ જીતની હેટ્રિક લગાવવા પૂરજોશમાં તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના NDAએ આ વખતે 400 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તેને દક્ષિણ રાજ્યથી મોટો પડકાર મળી શકે છે. કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. એક સરવેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ કર્ણાટકમાં ભાજપ 10-12 સીટો સુધી સીમિત રહી શકે છે.
ભાજપને કર્ણાટકમાં આટલી બેઠકો મળી શકે
એક સરવે અનુસાર કર્ણાટકમાં ભાજપને 10-12, કોંગ્રેસને 12-14 અને જેડીએસને એક કે બે બેઠકો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપે જંગી જીત નોંધાવી હતી. ભાજપે 28માંથી 25 બેઠકો કબજે કરી હતી જ્યારે કોંગ્રેસે એક બેઠક અને અન્યને બે બેઠકો મળી હતી.
દક્ષિણમાં ભાજપ કેટલી સફળ થાય તે જોવાનું રહેશે
જો આ સરવે સાચો હશે તો તે ભાજપ માટે મોટો ઝટકો સાબિત થશે કારણ કે દક્ષિણમાં કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપે મોટી જીત નોંધાવી હતી. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, પુડુચેરી અને લક્ષદ્વીપમાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું નથી. તેલંગાણામાં ભાજપે ચાર બેઠકો જીતી હતી. હવે 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યમાં એનડીએ દક્ષિણના કિલ્લાને તોડવામાં કેટલી સફળ થાય છે તે જોવાનું રહેશે.