અદાણી લાંચ કેસ: 'જે રાજ્યોમાં કોન્ટ્રાક્ટ થયો ત્યાં વિપક્ષની સરકાર', રાહુલ ગાંધીને ભાજપનો જવાબ
Adani Bribery Case: અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો સામે 250 મિલિયન ડૉલરની છેતરપિંડી અને લાંચના આરોપ લગાવ્યા છે. જેને લઈને કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે. હવે આ મામલે ભાજપે પોતાનો જવાબ આપ્યો છે. ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર અનેક સવાલો ઊઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 'આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને તેઓએ ત્યાં અદાણી ગ્રૂપ સાથે મહત્તમ વ્યવહારો કર્યા છે.'
'રાહુલ ગાંધી શેરબજારને તોડવા માંગે છે'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે સંબિત પાત્રાએ કહ્યું કે, 'જો કોંગ્રેસને લાગે છે કે કંઈક ખોટું થયું છે તો તે કોર્ટમાં કેમ નથી જતા. કોંગ્રેસ એકલી મીડિયા અને ન્યાયતંત્રનું કામ કરી રહી છે. મા અને પુત્ર જામીન પર બહાર છે અને તેઓ કહે છે કે તેઓ ન્યાયતંત્રનું કામ પણ કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારતના શેરબજારને નીચે લાવવા માંગે છે. રોકાણકારોને કરોડોનું નુકસાન રાહુલ ગાંધીને કારણે થયું છે.'
'જો અદાણી ભ્રષ્ટ છે તો કોંગ્રેસે રોકાણ કેમ કરવા દીધું?'
છત્તીસગઢનો ઉલ્લેખ કરતાં ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, 'જ્યારે ભૂપેશ બઘેલ છત્તીસગઢના સીએમ હતા ત્યારે અદાણીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. અદાણીએ અશોક ગેહલોતની સરકાર વખતે પણ રોકાણ કર્યું હતું. જો તે ભ્રષ્ટ છે તો તેણે આટલું રોકાણ કેમ કર્યું. કર્ણાટક સરકારે અદાણીને રાજ્યમાં રોકાણ કરવાની મંજૂરી કેમ આપી?'
ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, 'અમેરિકાની તપાસ દરમિયાન જે ચાર રાજ્યોના નામ સામે આવ્યા છે, તે સમયે કોંગ્રેસ અથવા તેના સહયોગીઓની સરકાર હતી. તામિલનાડુ હોય કે આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ દરેક જગ્યાએ કોંગ્રેસની સરકાર હતી.'
આ પણ વાંચો: મોદીજી ઈચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે, ભાજપને તેમનું ફંડિંગ છે: રાહુલ ગાંધી
અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે: રાહુલ ગાંધી
અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરૂદ્ધ 250 મિલિયન ડૉલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે.
ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે. તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં, હિન્દુસ્તાનમાં અદાણી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.