Get The App

કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાના કારણે યુપીમાં ભાજપ હાર્યું, સમીક્ષા રિપોર્ટમાં ખુદ પક્ષની કબૂલાત

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
BJP review report: CM Yogi Adityanath


BJP Review Report In Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં મળેલી હારને ધ્યાનમાં રાખીને શુક્રવારે(28મી જૂન) લખનઉમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં તે બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જ્યાં પક્ષને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશ કોર કમિટીની બેઠકમાં વિશેષ ટીમનો સમીક્ષા રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. જેમાં અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ રિપોર્ટમાં અધિકારીઓ દ્વારા જનતા અને કાર્યકર્તાઓ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ છે. લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી રહેલી ભાજપની વિશેષ ટીમે આ વિગતવાર અહેવાલ રાજ્યના નેતૃત્ત્વને સોંપ્યો છે. આ રિપોર્ટમાં હારના ઘણાં કારણો આપવામાં આવ્યા છે.

ધારાસભ્યોની નિષ્ક્રિયતાને કારણે નુકસાન

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભાઓમાં ધારાસભ્યોની નિષ્ક્રિયતાના કારણે પાર્ટીને નુકસાન થયું છે. એટલું જ નહીં, ઘણાં ધારાસભ્યો તેમના વિસ્તારના લોકસભા ઉમેદવારોની સામે હતા અને આ બેઠકો પરની લડાઈને કારણે ભાજપને નુકસાન થયું હતું. આ ઉપરાંત અનુસૂચિત જાતિના મતદારો બંધારણના મુદ્દે વિભાજિત થયા છે. ઓબીસી મતદારો વેરવિખેર થઈ ગયા અને ભાજપની કારમી હાર થઈ.

બંધારણના મુદ્દે દલિતોના મત ગયા

અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બૂથ લેવલે કાર્યકરોનો અસંતોષ પણ ભાજપની તરફેણમાં મતદાનમાં ઘટાડો થયો હતો. તમામ પ્રયાસો છતાં ઓબીસી મત વિભાજનને રોકી શકાયું નથી અને દલિતોના મત બંધારણના મુદ્દે દૂર જતા રહ્યા છે.

આ પણ વાંચો: 'બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપો..' નીતિશની પાર્ટીએ ફરી માગ કરીને NDAનું ટેન્શન વધાર્યું


ભાજપને સપા કરતા ઓછી બેઠકો મળી

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન સપાએ ઉત્તર પ્રદેશની કુલ 80 બેઠકમાંથી 37 બેઠક જીતી હતી. જ્યારે ભાજપને માત્ર 33 બેઠકો મળી શકી હતી. જ્યારે કોંગ્રેસને 6, આરએલડીને 2, આઝાદ સમાજ પાર્ટી અને અપના દળ (એસ)ને એક-એક બેઠક મળી હતી. જ્યારે માયાવતીની પાર્ટી બસપા પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.

કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાના કારણે યુપીમાં ભાજપ હાર્યું, સમીક્ષા રિપોર્ટમાં ખુદ પક્ષની કબૂલાત 2 - image


Google NewsGoogle News