ઉત્તર પ્રદેશની પ્રજાએ ભાજપને કેમ નકાર્યો? 40 ટીમોએ શરૂ કર્યું મંથન
BJP Review in Uttar Pradesh : લોકસભા ચૂંટણી-2024નાં પરિણામોમાં ભાજપની બેઠકમાં ભારે ઘટાડો થયો છે, જોકે તેમ છતાં ભાજપે NDAની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવી દીધી છે. ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો જીતવાનો વિશ્વાસ હતો. જોકે રાજ્યની 80 બેઠકોમાંથી ભાજપે માત્ર 33 બેઠકો મળી છે, ત્યારે રાજ્યમાં ભાજપને ઓછા મત અને ઓછી બેઠકો કેમ મળી? તે અંગે પાર્ટીએ સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે.
ઉત્તર પ્રદેશમાં 40 ટીમોએ સમીક્ષા શરૂ કરી
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં હારની સમીક્ષા કરતી વખતે મત ઘટવાના કેટલાક કારણો શોધી કાઢ્યા છે. રાજ્યની 80 લોકસભા બેઠકો માટે 40 ટીમો સમીક્ષા કરી રહી છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધી જે સમીક્ષા કરાઈ છે, જેમાં એક પેટર્ન સામે આવી છે. ભાજપને પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી એક વિશેષ પેટર્નના કારણે મત ઓછા મળ્યા હોવાનું સામે આવ્યું છે.
25 જૂન સુધીમાં તૈયાર કરાશે સમીક્ષા રિપોર્ટ
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશમાં નબળા પ્રદર્શન અંગેનો ભાજપનો રિપોર્ટ 25 જૂન સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. રાજ્યમાં ભાજપને મળતા મતોમાં લગભગ છથી સાત ટકા મતોનો ઘટાડો થયો હોવાની પેટર્ન ધ્યાને આવી છે. બીજીતરફ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને અયોધ્યા અને અમેઠી બેઠકની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની બાકીની બેઠકો માટે અન્ય એક વરિષ્ઠ નેતા સમીક્ષાનું કામ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ચાલ્યો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના જાદુ
વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કર્યો હતો. જોકે આ વખતે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડીએ ભાજપની સફળતા પર પાણી ફેરવી દીધું છે. આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે રાજ્યની 80 બેઠકોમાંથી 40 બેઠકો પર જીત મેળવી છે. આમાં સપાને 37 તો કોંગ્રેસને છ બેઠકો મળી છે.