જમ્મુ કાશ્મીર ચૂંટણી: ભાજપની ત્રીજી યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર મહોર
Jammu Kashmir Election: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજા તબક્કાના દસ જ્યારે ત્રીજા તબક્કાના 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અગાઉ બે યાદી જાહેર કરી હતી. પહેલી યાદીમાં 15 ઉમેદવાર તો બીજી યાદીમાં એક નામ જાહેર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ભાજપે સૌથી પહેલા 44 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી. જો કે કાર્યકર્તાઓના ભારે વિરોધના કારણે એ યાદી રદ કરવાની નોબત આવી હતી. પહેલી યાદીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓનું નામ ન હોવાના કારણે વિવાદ થયો હતો. નારાજગીને જોતાં ભાજપે યાદી રદ કરી હતી.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરની 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઑક્ટોબરે મતદાન થશે. તમામ બેઠકોના પરિણામ ચોથી ઑક્ટોબરે જાહેર થશે. પહેલા તબક્કામાં 24, બીજા તબક્કામાં 26 જ્યારે ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે.