Get The App

દિલ્હીમાં BJPનું પ્રદર્શન, એક્સાઈઝ પોલિસી મામલે AAP સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં BJPનું પ્રદર્શન, એક્સાઈઝ પોલિસી મામલે AAP સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ 1 - image

Image Source: Twitter

-  બેનરો અને પોસ્ટરો દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની પણ માંગ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2023, ગુરૂવાર

દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી કાર્યાલય સામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં સામેલ નેતા અને કાર્યકર્તાઓએ દિલ્હી સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. બીજેપી કાર્યકર્તાઓ દિલ્હી એક્સાઈઝ પોલીસી મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ કાર્યકર્તાઓમાં આક્રોશ ચરમ પર છે. આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

આમ આદમી પાર્ટીના કાર્યાલય સામે બીજેપીના પ્રદર્શન દરમિયાન દિલ્હી વિધાનસભા વિપક્ષના નેતા રામવીર સિંહ બિધૂડીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં કટ્ટર ઈમાનદાર સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર છે. 

તાજેતરમાં જ EDએ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની આ મામલે ધરપકડ કરી હતી. ત્યારબાદથી AAP ભડકી ઉઠી છે અને પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીમાં બીજેપી કાર્યાલયની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. હવે ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો હાથમાં બેનરો અને પોસ્ટર લઈને આમ આદમી પાર્ટીના કાર્યાલય સામે પહોંચી ગયા છે. આ બેનર પર લખવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને શરાબમાં ડુબાડી દીધી છે. આ સાથે આ બેનરો અને પોસ્ટરો દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.

ભાજપના આ પ્રદર્શનના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કાર્યકરો રસ્તાઓ પર જોરશોરથી કેજરીવાલના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે પોલીસે બેરીકેટ્સ ગોઠવી દીધા છે પરંતુ ભાજપના કાર્યકરો બેરિકેડ પર ચઢી ગયા છે. પોલીસ આ પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.


Google NewsGoogle News