પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા 'એક્ટિવ'
Image Source: Twitter
BJP President Election: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થતાં હવે પીએમ મોદી ખુદ એક્ટિવ થયા છે. પીએમ મોદીએ પોતાના નિવાસસ્થાને અમિત શાહ, રાજનાથ સિંહ અને બીએલ સંતોષ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ નેતાઓએ ભાજપ અધ્યક્ષની ચૂંટણીની રાહમાં રાજકીય અવરોધ બનેલા ઉત્તરાખંડ, ગુજરાત અને કર્ણાટક સહિત લગભગ એક ડઝન રાજ્યોની સંગઠનાત્મક ચૂંટણીઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો.
એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી 2-3 દિવસોમાં લગભગ 6 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષઓની જાહેરાત થઈ શકે છે. આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામ ફાઇનલ થયા બાદ જ આગામી અઠવાડિયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર પણ મહોર લાગી જશે.
નડ્ડાનું એક્સટેન્શન થઈ રહ્યું પૂર્ણ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની હતી, પરંતુ અડધો એપ્રિલ વીતી ગયો હોવા છતાં આ ચૂંટણી ન થઈ શકી. જેપી નડ્ડાને જાન્યુઆરી 2020માં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભાજપના બંધારણ પ્રમાણે જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં સમાપ્ત થયો હતો, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીને કારણે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીને લગભગ એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી ભાજપ અધ્યક્ષના નામ પર કોઈ નિર્ણય નથી થઈ શક્યો.
પીએમ મોદી થયા એક્ટિવ
ભાજપની સંસદીય સમિતિએ 13 માર્ચે જેપી નડ્ડાનો કાર્યકાળ 40 દિવસ માટે લંબાવ્યો હતો. આમ 23 એપ્રિલે આ સમય પૂર્ણ થઈ રહ્યો છે. હવે સમય નજીક આવતો જોઈને પીએમ મોદીએ મોરચો સંભાળ્યો છે, જેના સંદર્ભમાં બુધવારે બપોરે પ્રધાનમંત્રી આવાસ પર એક મોટી બેઠક યોજાઈ હતી અને 23 એપ્રિલ પહેલા નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે.
પીએમ મોદીની બેઠકથી નીકળ્યું સોલ્યુશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરીને અધ્યક્ષની ચૂંટણી અંગે મંથન કર્યું. આ દરમિયાન કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલના પ્રદેશ પ્રમુખોના નામો પર ચર્ચા થઈ. પીએમ મોદીની બેઠકમાં 6 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામો પર સર્વસંમતિ સધાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસમાં લગભગ અડધો ડઝન રાજ્યોના અધ્યક્ષોના નામની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ થઈ શકે છે.
રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થયા વિના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અશક્ય
કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલ જેવા રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ ન થવાના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. આ રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થયા વિના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી શક્ય નથી. ભાજપના બંધારણ પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે એક ચૂંટણી મંડળની રચના કરવી પડે છે, જેના સભ્યો રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યો હોય છે. તેમાં રાજ્યોની રાષ્ટ્રીય પરિષદમાં ભાગીદારી લગભગ 50% છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી સંગઠનાત્મક ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી ન તો રાષ્ટ્રીય પરિષદનો ક્વોટા ભરી શકાશે કે ન તો ચૂંટણી મંડળની રચના થઈ શકશે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ નક્કી નહોતી કરી શકતી કે, પ્રદેશ અધ્યક્ષ દલિત અને પછાત વર્ગમાંથી હોવો જોઈએ કે સુવર્ણ જાતિમાંથી. રાજ્યમાં જે પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે, તેના જ નેતૃત્વમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે, તેથી પાર્ટી ખૂબ જ સાવધાનીપૂર્વક એક-એક પગલુ માંડી રહી છે. મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત અને કર્ણાટક જેવા અન્ય મોટા રાજ્યોમાં પણ આ જ સમસ્યા છે.
ભાજપના રાજ્ય સંગઠનોની ચૂંટણી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પીએમએ બુધવારે એક બેઠક યોજી હતી, ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આગામી 2-3 દિવસમાં ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતના પાર્ટી અધ્યક્ષઓના નામ પર સર્વસંમતિ સધાઈ છે.
ભાજપ અધ્યક્ષથી આગળની દશા-દિશા નક્કી થશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષની સાથે-સાથે રાષ્ટ્રીય અધ્યક્ષથી પાર્ટી પોતાની રાજકીય દશા અને દિશા જાણશે. રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ભાજપ પોતાના રાજકીય સમીકરણોને વધુ ધાર આપશે પરંતુ પ્રાદેશિક સમીકરણોને સાધવા પર મહત્ત્વ નહીં આપશે. સૂત્રોનું કહેવું છે કે, પાર્ટીને એવા નેતૃત્વની જરૂર છે જે ભાજપના વિશાળ નેટવર્કને કાર્યક્ષમ રીતે સંભાળી શકે. આ ઉપરાંત તે સંઘની પસંદગીનો અને મોદી-શાહનો વિશ્વાસપાત્ર હોવો જોઈએ.
ભાજપ અધ્યક્ષની સાથે સંગઠનને પણ આકાર આપવા માગે છે
જે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, 2029ની લોકસભા ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આમ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના રાજકીય સમીકરણમાં ફિટ થવાની સાથે-સાથે વિજય અપાવનાર પણ હોવો જોઈએ. ભાજપ અધ્યક્ષની સાથે સંગઠનને પણ આકાર આપવા માગે છે. ભાજપની કેન્દ્રીય ટીમમાં નવું નેતૃત્વ બનાવવા માટે સચિવો અને મહામંત્રીઓની ટીમમાં ઓછામાં ઓછા 50 ટકા સ્થાન યુવાનોને આપવા પર મંથન ચાલી રહ્યું છે. નેતૃત્વની ઇચ્છા સંસદીય બોર્ડમાં વરિષ્ઠ નેતાઓને જ સ્થાન આપવાની છે. ભાજપ સંગઠનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સૌથી મોટો પડકાર
2025માં બિહારમાં અને 2026માં કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે. જે કોઈ પણ ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, તેની પહેલી રાજકીય અગ્નિપરીક્ષા આ જ રાજ્યોમાં થશે. બિહારમાં ભલે ભાજપ સરકારમાં સામેલ હોય, પરંતુ તે ક્યારેય પોતાના દમ પર સત્તામાં નથી આવી શકી. ભાજપ કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ક્યારેય સરકાર નથી બનાવી શકી. આમ નવા અધ્યક્ષ સામે સૌથી મોટો પડકારજનક રાજ્યોમાં જ લિટમસ ટેસ્ટ થશે. એટલા માટે ભાજપ જેપી નડ્ડાના સ્થાને એક મજબૂત ચહેરાની શોધમાં છે, જેમને પાર્ટીની કમાન સોંપવાની છે.