રાહુલ ગાંધી ૪૧ હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડો યાત્રાએ નિકળ્યા : ભાજપ
રાહુલ-મોદીના વસ્ત્રો અંગે ભાજપ-કોંગ્રેસ બાખડયા
પીએમ મોદીએ પણ ૧૦ લાખનો સૂટ અને ૧.૫ લાખના ચશ્મા પહેર્યા હતા : કોંગ્રેસનો દાવો
નવી દિલ્હી, તા.૯
કેન્દ્ર સરકાર સામે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભારત જોડો યાત્રાએ નીકળેલા રાહુલ ગાંધીએ ૪૧ હજારની ટી-શર્ટ પહેરી હોવાનો દાવો કરતાં ભાજપે શુક્રવારે તેમને ઘેર્યા હતા. બીજીબાજુ કોંગ્રેસે પણ ભાજપને પીએમ મોદીના ૧૦ લાખના સૂટ અને ૧.૫ લાખના ચશ્માની યાદ અપાવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે ત્યારે ભાજપે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી રાહુલ ગાંધીનો ફોટો શૅર કર્યો હતો, જેમાં તેમણે સફેદ રંગની ટી-શર્ટ પહેરી છે. ભાજપે દાવો કર્યો કે આ ટી-શર્ટ બરબેરી કંપનીની છે અને તેની કિંમત રૂ. ૪૧,૨૫૭ છે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીનો આ ફોટો કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરાયો છે. સાથે કોંગ્રેસે લખ્યું - ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વિલેજ કૂકીંગ ચેનલની ટીમને મળ્યા. કોંગ્રેસે જાહેર કરેલો આ ફોટો ભાજપે શૅર કર્યો અને તેની સાથે બરબેરીની ટી-શર્ટનો એક સ્ક્રીનશૉટ પણ શૅર કર્યો, જેમાં કંપનીની ટી-શર્ટની કિંમત રૂ. ૪૧,૨૫૭ લખી છે. ફોટો શૅર કરતાં ભાજપે લખ્યું - ભારત, દેખો.
ભાજપની આ પોસ્ટ શૅર કરતાં કોંગ્રેસે પણ વળતો ઘા કર્યો. કોંગ્રેસે ભાજપને ટેગ કરતા એક ટ્વીટ કરી અને લખ્યું - અરે ગભરાઈ ગયા? ભારત જોડો યાત્રાને મળેલો જનપ્રતિસાદ જોઈને? મુદ્દાની વાત કરો... બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકી, કપડાં અંગે ચર્ચા કરવી હોય તો મોદીજીના ૧૦ લાખના સૂટ અને ૧.૫ લાખના ચશ્મા સુધી વાત જશે. કહો વાત કરવી છે? કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું - તમને યાદ છે કે મોદીજીનો સૂટ જેના પર નમો નમો લખ્યું હતું, આપણા વડાપ્રધાનના ચશ્મા જોયા છે? સાચી વાત એ છે કે ભારત જોડો યાત્રાથી ભાજપ ગભરાઈ ગયો છે. અને અમે ભારત જોડો યાત્રાના માધ્યમથી લોકતંત્રની શહેનાઈ વગાડી રહ્યા છીએ.