મહારાષ્ટ્રમાં 'ઓપરેશન લોટસ'ની તૈયારી! શરદનો 'પાવર' છીનવાશે, અનેક નેતા ભાજપના સંપર્કમાં હોવાનો દાવો
BJP Operation Lotus : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને ગઠબંધનને 230 બેઠકો પર જીત મળી. જેમાં ભાજપે 148 બેઠકો પર ચૂંટણી લડીને 132 બેઠકો પર જીત હાંસલ કરી. દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, શરદ પવારની પાર્ટીના ઘણા સાંસદો ભાજપના સંપર્કમાં છે અને તેઓ પક્ષ બદલી શકે છે. જ્યારે આ સાંસદોનું કહેવું છે કે, ભાજપ રાજ્યમાં સત્તામાં છે અને તેની સરકાર કેન્દ્રમાં પણ સત્તામાં છે. આવી સ્થિતિમાં ભાજપ સાથે જવાથી વિસ્તારનો વિકાસ કરવામાં સરળતા રહેશે.
સત્તા વગર યોગ્ય વિકાસ શક્ય નથી
ભાજપના નેતા પ્રવીણ ડારેકરનું કહેવું છે કે, મહાવિકાસ અઘાડીના ઘણા સાંસદ અને ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. એમાં પણ ખાસ તો શરદ પવારના સાંસદ અમારા સંપર્કમાં છે. આ ઉપરાંત, મહા ગઠબંધનના ધારાસભ્ય પણ તેમના સંપર્કમાં છે અને તેમનું કહેવું છે કે વિકાસ જ પહેલી પ્રાથમિકતા છે. આવી જ રીતે ઘણા સાંસદોનું કહેવું છે કે, કાર્યકર્તા તરફથી દબાણ કરવામાં આવે છે કે ભાજપ સાથે જાઓ, જેથી વિસ્તારનો વિકાસ થઈ શકે. પ્રવીણ ડારેકરે કહ્યું કે, સત્તા વગર યોગ્ય વિકાસ શક્ય નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને પછી ફડણવીસની મહારાષ્ટ્ર સરકાર જલ્દી વિકાસ કરશે.
જ્યારે એનસીપીના નેતા વિદ્યા ચૌહાણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'તેઓ લોકશાહીને ખત્મ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપ અનૈતિક રીતે સત્તા કબજે કરવામાં વ્યસ્ત છે. આ એજ લોકો છે, જે ધારાસભ્યનું અપહરણ કરીને ગુવાહાટી લઈ જતા હતા અને ઈવીએમ સાથે પણ છેડછાડ કરવામાં આવતી હતી. ભલે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ વાળી સરકાર છે, પરંતુ કેન્દ્રની પાસે નંબર ઓછા છે. કદાચ એટલે જ ભાજપ સાંસદોને તોડવા ઈચ્છે છે. પરંતુ તે એમાં સફળ નહી થાય.'
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો લાગ્યો હતો. તેવામાં એનસીપીમાંથી કેટલાક સાંસદો આવવાથી તેમનો પરિવાર મજબૂત થઈ શકે છે. પરંતુ આનાથી શરદ પવારની પાર્ટીના અસ્તિત્વ પર પણ ખતરો ઉભો થશે કારણ કે તેના માત્ર 10 ધારાસભ્યો જ જીત્યા છે.