મંત્રીના જમાઈરાજા માટે નવું પદ બનાવાયું- 'સેક્રેટરી 2'! કોંગ્રેસ સરકાર પર ગંભીર આરોપ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
kh muniyappa


Karnataka Assembly 'Secretary 2' Controversy : દરેક વિધાનસભામાં સ્પીકર અને ગૃહના મુખ્ય સલાહકાર તરીકે વહીવટી અને કાયદાકીય કામની જવાબદારી માટે એક સેક્રેટરી હોય છે. ત્યારે કર્ણાટક વિધાનસભામાં સેક્રેટરીની નવી પોસ્ટ માટે અધ્યક્ષ યુ.ટી. ખાદર દ્વારા વિધાનસભાના નાણાં વિભાગમાં એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસની 'સેક્રેટરી 2' પોસ્ટની કરવામાં આવેલી માગને લઈને ભાજપે વિરોધ કર્યો છે. આ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા કોંગ્રેસ પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

જમાઈ માટે 'સેક્રેટરી 2' નવી પોસ્ટની માગ

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ યુ.ટી. ખાદર દ્વારા વિધાનસભાના નાણાં વિભાગમાં એક પત્ર મોકલીને 'સેક્રેટરી 2' નવી પોસ્ટ બનાવવાની માગ કરવામાં આવી છે. બધી વિધાનસભાથી અલગ કર્ણાટક વિધાનસભા દ્વારા 'સેક્રેટરી 2' વધુ એક પોસ્ટ ઉમેરવાની માગ કરતાં વિપક્ષ પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. આ સાથે કોંગ્રેસ પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસના સાત વખત ધારાસભ્ય બનેલા કે.એચ. મુનિયપ્પા સિદ્ધારમૈયા સરકારમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના મંત્રી રહ્યાં છે. મુનિયપ્પા પર તેમના જમાઈ શશિધરની વ્યવસ્થા કરી રહ્યો હોવાના આરોપ છે.

કર્ણાટક એસેમ્બલી એમ્પ્લોઈઝ યુનિયને વિરોધ કરી સચિવને પત્ર લખ્યો

મળતી માહિતી પ્રમાણે, કર્ણાટક એસેમ્બલી એમ્પ્લોઈઝ યુનિયને વિરોધ કરતાં વિધાનસભા સચિવને પત્ર લખીને આરોપ કર્યા હતા કે, શશિધર સેક્રેટરીનું પદ મેળવી શક્યા ન હોવાથી નવી પોસ્ટ બનાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે પત્રમાં લખ્યું છે કે, 'શશિધર ધારાસભ્ય એમ. રૂપકલાના પતિ છે અને હાલ તે કોમ્પ્યુટર વિંગમાં છે. તેઓ સચિવનું પદ લઈ શકતા નથી, જેમાં સચિવના પદ માટે બઢતી મળેલા કર્મચારીને સ્થાન મળે છે. આમ કોમ્પ્યુટર વિંગના કર્મચારીઓ ક્યારેય સચિવ બની શકતા નથી. આ બધા વચ્ચે સરકાર શશિધરનો સમાવેશ કરવા માટે નવી પોસ્ટ બનાવવા જઈ રહી છે.

લોકો વિદ્રોહ કરે એ પહેલા રાજીનામું આપીને પદની ગરિમા બચાવી લો : આર. અશોક

ભાજપે કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર પર ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે સોશિયલ મીડિયા X પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'ધારાસભ્યોના વિદ્રોહને ડામવા માટે બંધારણનું ઉલ્લંઘન કરીને 90 કેબિનેટ ગ્રેડનો દરજ્જો બનાવવામાં આવ્યો છે. તેવામાં હવે આ સરકારે મંત્રીના જમાઈ માટે નવી પોસ્ટ ઊભી કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તમે કર્ણાટકના અત્યાર સુધીના સૌથી નબળા મુખ્યમંત્રી છો. પ્રજાના પૈસાનો બગાડ કરવાની સાથે ધારાસભ્યો અને મંત્રીઓના સગાઓને ઊંચી પોસ્ટ આપી રહ્યાં છો. આવું ક્યાં સુધી ચાલશે? લોકો તમારો વિદ્રોહ કરે એ પહેલા રાજીનામું આપીને પદની ગરિમા બચાવીને રાજ્યની ઈજ્જત પણ બચાવો.'

મંત્રીના જમાઈરાજા માટે નવું પદ બનાવાયું- 'સેક્રેટરી 2'! કોંગ્રેસ સરકાર પર ગંભીર આરોપ 2 - image


Google NewsGoogle News