ગુજરાતનો ઉલ્લેખ કરી કેજરીવાલ પર ભડક્યું ભાજપ, કહ્યું- ‘તેમણે 10 વખત માફી માગી છતાં...’
BJP Attack On Arvind Kejriwal : ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલની પાયાવિહોણી ટિપ્પણીઓ મામલે આક્રોષ વ્યક્ત કર્યો છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘કેજરીવાલ પાયાવિહોણી ટિપ્પણીઓ કરવા મામલે અત્યાર સુધીમાં 10 વખત માફી માંગી ચુક્યા છે, તેમ છતાં તેઓ સુધરતા નથી. તેઓ હંમેશા અન્ય પક્ષોના નેતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે.’ પ્રસાદે એમ પણ કહ્યું કે, ‘કેજરીવાલે જાહેર જીવનમાં થોડી પવિત્રતા જાળવવી જોઈએ.’
આ પણ વાંચો : બેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત
કેજરીવાલ અત્યાર સુધીમાં 10 વખત માફી માગી ચુક્યા
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ અત્યાર સુધીમાં 10 વખત માફી માગી ચુક્યા છે. તેમણે અરૂણ જેટલી ઉપર ખોટા આક્ષેપો કર્યા બાદ માફી માગી હતી. આવી જ રીતે નિતિશ ગડકરી, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, અમિત સિબ્બલ, અવતાર સિંહ ભડાના સહિત અનેક નેતાઓની માફી માગી ચુક્યા છે. તેમણે કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની બેઠક ઓનલાઈન દેખાડવા મુદ્દે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ કાર્યાલય પર પત્થરમારાની ઘટના મામલે પણ માફી માગવી પડી હતી.
કેજરીવાલે વડાપ્રધાનના પ્રમાણપત્ર પર પણ સતત સવાલો ઉઠાવ્યા
તેમણે કહ્યું કે, ‘લોકશાહીમાં મતભેદો એ સ્વાભાવિક પ્રક્રિયા છે અને વિરોધ પક્ષોને કોઈપણ નેતા પર ટિપ્પણી કરવાનો અધિકાર છે. પરંતુ તેમ કરતી વખતે તેઓએ નૈતિકતાને ધ્યાનમાં રાખવી જોઈએ. કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Educational Certificate Case)ના શૈક્ષણિક પ્રમાણપત્રો પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આમ કરીને તેમણે ગુજરાત (Gujarat)ની એક યુનિવર્સિટી (University) પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે તેમને નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કોઈ રાહત મળી નથી. કેજરીવાલે અન્ના હજારેથી લઈને દિલ્હીની જનતાને આપેલા એકપણ વચન પૂરા કર્યા નથી, આનો દિલ્હીના લોકો જવાબ આપશે.’