પાડોશી રાજ્યમાં ભાજપના નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા, કુહાડી-હથોડા વડે હુમલો કર્યો, તંત્રમાં દોડધામ
Rajsathan Alwar BJP Leader Died : રાજસ્થાનના અલવરમાં ભાજપના મુસ્લિમ નેતાની હત્યાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતાની ઓળખ યાસીન ખાન તરીકે થઇ છે. તેઓ જયપુર જવા નીકળ્યા હતા અને એ જ સમયે કેટલાક બદમાશોએ લાકડી-દંડા તથા હથોડા અને કુહાડી વડે તેમના પર ક્રૂર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને એટલી ઘાતક ઈજાઓ થઇ કે તેઓ સારવાર દરમિયાન મૃત્યુ જ પામી ગયા. ઘટનાસ્થળે હાજર અન્ય લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ તેમને બચાવવામાં સફળ થઇ શક્યા નહોતા.
કેવી રીતે કરાયો હુમલો?
માહિતી અનુસાર હુમલાખોરોએ ઓવરટેક કરીને ભાજપના નેતાની ગાડી અટકાવી હતી. મૃત્યુથી પહેલા ભાજપના નેતા યાસીને પોલીસને જણાવ્યું હતું કે તે અલવરથી જયપુર માટે નીકળ્યા હતા. નારાયણપુરના વિજયપુરા ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઇ અને ત્યારે જ બદમાશોએ તેમના પર લાકડી-દંડા અને હથોડા વડે હુમલો કરી દીધો હતો. પોલીસને જેવી જ ઘટનાની જાણકારી મળી તો કાફલો લઈને ઘટનાસ્થળે ધસી આવી હતી અને બદમાશોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
કયા કારણોસર હત્યા કરાઈ?
માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જૂની શત્રુતાના કારણે આ હત્યા કરાઈ હોઈ શકે છે. યાસીનની ગામના કેટલાક લોકો સાથે જૂની શત્રુતા હતી. ઘટનાની જાણ થતાં પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે ભાજપ નેતા પર એવો ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો કે તે ચાલી પણ શકી રહ્યા નહોતા. તે રહેમની ભીખ માગતા રહ્યા પણ કોઈએ તરસ ન ખાધું. યાસીન જિલ્લા યુવા કુશ્તી સંગઠનના અધ્યક્ષ પણ હતા. તે આ વિસ્તારના મુખ્ય લઘુમતી નેતા ગણાતા હતા.