BJP સાંસદ રમેશ બિધૂડીની વધશે મુશ્કેલી, ગમે ત્યારે સસ્પેન્ડ થઈ શકે, લોકસભા અધ્યક્ષનો તપાસનો આદેશ

બસપા સાંસદ દાનિશ અલી માટે વિવાદિત શબ્દોનો પ્રયોગ કરી વિવાદમાં ફસાયા હતા રમેશ બિધૂડી

ભાજપના અધ્યક્ષ નડ્ડાએ પણ તેમને કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
BJP સાંસદ રમેશ બિધૂડીની વધશે મુશ્કેલી, ગમે ત્યારે સસ્પેન્ડ થઈ શકે, લોકસભા અધ્યક્ષનો તપાસનો આદેશ 1 - image

ભાજપ સાંસદ (BJP MP) રમેશ બિધૂડી (Ramesh Bidhuri and Danish ali Controversy) વાહિયાત નિવેદનબાજીને કારણે વિપક્ષના નિશાને આવી ગયા છે. તેમને સસ્પેન્ડ કરવા માટે વિપક્ષનું દબાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે બિધૂરી સામે સસ્પેન્ડ થવાનો ખતરો વધી ગયો છે. બંધારણની કલમ 105 (2) હેઠળ સંસદમાં કહેલી કોઇ પણ વાતને કોર્ટમાં પડકારી ના શકાય પણ લોકસભા અધ્યક્ષને સંસદીય ભાષાનો ઉપયોગ કરનારા સભ્ય સામે કાર્યવાહીનો અધિકાર છે. 

કયા નિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે? 

સ્પીકર નિયમ 373 હેઠળ કોઈ સભ્યને ખરાબ આચરણ માટે સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપી શકે છે. ચાલુ વર્ષે મોનસુન સત્ર દરમિયાન વિપક્ષના ચાર સભ્યો અધીર રંજન ચૌધરી, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરાયા હતા. 

લોકસભામાં આ શબ્દો વાપરી ન શકાય 

ખરેખર લોકસભા સચિવાલયે 2022 માં એવા શબ્દોની યાદી જાહેર કરી હતી જેનો ઉપયોગ અસંસદીય મનાય છે. આ યાદી અનુસાર બિચારો, ખાલિસ્તાની, લોહીની ખેતી, શકુનિ, જયચંદ, જુમલાજીવી, અનાર્કિસ્ટ, ગદ્દાર, ઠગ, ઘડિયાળી અશ્રુ, ભ્રષ્ટ, કાળો દિવસ, કાળાબજારી, ખરીદ-વેચાણ, રમખાણ, દલાલ, દાદાગિરી, બેવડા માપદંડ, બોબકટ, લોલીપોપ, વિશ્વાસઘાત, બહેરી સરકાર, ઉચક્કે, ગુંડાઓની સરકાર, ચોર-ચોર મોસેરે ભાઈ, તડીપાર, તલવા ચાટવા, સરમુખત્યાર જેવા અન્ય કેટલાક શબ્દોને અસંસદીય જાહેર કરાયા હતા.

વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લવાશે 

એનસીપી નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે બિધૂડી વારંવાર આ પ્રકારનું આચરણ કરતા રહ્યાં છે. બે દિવસ પહેલા તેમણે એક અન્ય સાંસદ સાથે ધક્કા-મુક્કી કરી હતી. તેમને ફક્ત ચેતવણી આપવાથી કામ નહીં ચાલે. દાનિશ અલી માટે અભદ્ર ભાષાના પ્રયોગ બદલ તેમની અને ટીએમસી વતી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લવાશે. 

લોકસભા અધ્યક્ષે તપાસના આદેશ આપ્યા 

સુત્રો અનુસાર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રમેશ બિધૂડી વિરુધ કાર્યવાહી કરવા માટે લોકસભા સચિવાલયને વિશેષ નિર્દેશ આપવામાં આવ્યો છે. બિરલાએ આદેશ આપ્યો છે કે ગૃહની કાર્યવાહી દરમિયાન જ્યારે ચંદ્રયાન-3 પર ચર્ચા શરૂ થઈ ત્યારે તે સમયના તમામ રેકોર્ડ એકત્ર કરીને તેમની સમક્ષ રજૂ કરવામાં આવે. વિડિયો ફૂટેજ, લોકસભાના રેકોર્ડ અને ગૃહના અન્ય સભ્યો દ્વારા આપવામાં આવેલા પત્રોને પણ સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News