સંસદમાં ઘમસાણ: ભાજપ નેતા ICUમાં દાખલ, રાહુલ ગાંધી પર ધક્કામુક્કીનો આરોપ
BJP MP Pratap Chandra Sarangi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડો. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવ્યા હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થયા છે. તેમણે દાવો કર્યો છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.
જાણો સમગ્ર ઘટનાક્રમ:
ભાજપ સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ. ભાજપે કહ્યું- રાહુલ ગાંધીએ ધક્કો માર્યો
રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, પછી એક સાંસદ મારા પર પડ્યા અને હું ઘાયલ થયો: સારંગી
ભાજપ સાંસદ પ્રતાપ સારંગી હોસ્પિટલમાં દાખલ, બે કેન્દ્રીય મંત્રીઓ ખબર-અંતર પૂછવા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં ધક્કામુક્કીની જાણકારી આપવામાં આવી
રાહુલ ગાંધીએ સાંસદનો ધક્કો માર્યો, આ દેશ તેમની જાગીર નથી: ધર્મેન્દ્ર પ્રધાન
સંસદ કરાટે કે કુંગફૂનની જગ્યા નથી, રાહુલ ગાંધીએ શારીરિક શક્તિ બતાવી: કિરેન રિજિજૂ
કેમેરામાં બધુ કેદ છે, ભાજપ સાંસદોએ મને ધક્કો મારી ધમકાવ્યો, ખડગેજીને પણ ધક્કો માર્યો: રાહુલ ગાંધી
ભાજપના સાંસદ ઘાયલ થતાં માહોલ બગડ્યો
ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતા તે પડી ગયા અને તેમને ઈજા થઈ હતા. ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે મારી ઉપર પડ્યાં હતા. જેના લીધે હું દબાઈ ગયો. હું પગથિયાં પર ઊભો હતો.'
ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
સંસદની બહાર થયેલી ધક્કામુક્કી લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના બે સાંસદોને ધક્કો માર્યો હતો. જો કે કોંગ્રેસે ભાજપના આરોપોને ખોટા ગણાવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, 'સંસદ કુશ્તી અને સ્માર્ટનેસ બતાવવાનું પ્લેટફોર્મ નથી.'
કોંગ્રેસે આપ્યો વળતો જવાબ
જેની સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યાં કે ભાજપના સાંસદોએ અમને સંસદમાં જતાં જ અટકાવી દીધા હતા. ભાજપના સાંસદોએ પ્રિયંકા ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે સાથે ધક્કામુક્કી કરી હતી. રાહુલે કહ્યું કે, 'મને પોતે એ લોકોએ ધક્કો માર્યો અને સંસદમાં જતો અટકાવ્યો હતો. ભાજપના સાંસદો અમને ધમકાવી રહ્યા હતા અને ડો. આંબેડકરનું અપમાન કરે છે. આ લોકો કહે છે કંઇ અને કરે છે કંઇ. સંસદમાં જવાનો મારો અધિકાર છે અને તેઓ મારો આ અધિકાર છીનવી રહ્યા હતા.'
આંબેડકરજીનું ફરી અપમાન: કેસી વેણુગોપાલ
ડો. આંબેડકર અંગે કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, 'આખા દેશના લોકો અમિત શાહ અને ભાજપના આ વલણથી દુ:ખી છે. બુધવારે અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઊઠાવ્યો હતો. અમે ડો. આંબેડકરની તસવીર બતાવી રહ્યા છીએ, તેમણે તે જગ્યાએ (જ્યોર્જ) સોરોસની તસવીર મૂકી છે. આ સ્પષ્ટપણે આંબેડકરજીનું ફરીથી અપમાન છે.'