સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર, કહ્યું - 'અમારે લેવા-દેવા નથી..'
Nishikant Dube and Supreme Court News : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અંગે એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર છે. જોકે, ભાજપે નિશિકાંત દુબેના નિવેદન બાદ તાત્કાલિક સ્પષ્ટતા કરતા કહી દીધું કે આ તેમના અંગત નિવેદને છે, પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી.
સુપ્રીમ કોર્ટ મર્યાદા વટાવી રહી છે... : ભાજપ સાંસદ
ખરેખર તો ઝારખંડના ગોડ્ડાથી 4 વખત સાંસદ રહેલા નિશિકાંત દુબેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેની મર્યાદાઓ વટાવી રહી છે. કોર્ટ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને રદ કરી રહી છે અને રાષ્ટ્રપતિને પણ સૂચનાઓ આપી રહી છે, જે ખુદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ 368 હેઠળ, કાયદા બનાવવાનું કામ સંસદનું છે અને કોર્ટની ભૂમિકા કાયદાનું અર્થઘટન કરવાની છે. તેમણે કહ્યું કે જો દરેક કામ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો શું સંસદ બંધ કરી દેવી જોઈએ? ભાજપના સાંસદે વધુમાં કહ્યું કે જો દરેક વસ્તુ માટે કાયદા બનાવવામાં આવ્યા છે, તો સુપ્રીમ કોર્ટ ક્યાંથી અને કેવી રીતે નવો કાયદો બનાવી રહી છે.
શું બોલ્યા હતા નિશિકાંત દુબે?
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પૂછ્યું કે તમે નિમણૂક અધિકારીને કેવી રીતે સૂચના આપી શકો છો? ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, સંસદ આ દેશના કાયદા બનાવે છે. શું તમે તે સંસદને સૂચના આપશો? દુબેની ટિપ્પણી અંગે હોબાળો મચી જતાં ભાજપે આ મામલે ખુલાસો કરવાનો વારો આવ્યો છે.
જે.પી.નડ્ડાએ આપ્યું નિવેદન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિશિકાંત દુબેના નિવેદનથી પોતાને દૂર રાખતા, X પરની એક પોસ્ટમાં કહ્યું કે ભાજપને સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા ન્યાયતંત્ર અને દેશના મુખ્ય ન્યાયાધીશ પર આપવામાં આવેલા નિવેદનો સાથે કોઈ લેવાદેવા નથી. આ તેમના અંગત નિવેદન છે. ભાજપ આવા નિવેદનો સાથે સહમત નથી અને ન તો ક્યારેય આવા નિવેદનોનું સમર્થન કરે છે. ભાજપ આ નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. ભાજપે હંમેશા ન્યાયતંત્રનો આદર કર્યો છે અને તેના આદેશો અને સૂચનોનો ખુશીથી સ્વીકાર કર્યો છે. કારણ કે એક પક્ષ તરીકે અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટ સહિત દેશની તમામ અદાલતો આપણા લોકશાહીનો અભિન્ન ભાગ છે. ઉપરાંત, તે બંધારણના રક્ષણ માટે એક મજબૂત સ્તંભ છે. નડ્ડાએ કહ્યું કે મેં આ બંનેને અને બીજા બધાને આવા નિવેદનો ન આપવા સૂચના આપી છે.