બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ
BJP MP Nishikant Dubey Slams Bangladesh : આતંકવાદીઓએ પહલગામમાં કાયરતાપૂર્વકનો હુમલો કર્યા બાદ દેશભરની પ્રજા આક્રોષમાં છે. ભારતે આતંકના ગઢ પાકિસ્તાનની મુશ્કેલી વધારવા સિંધુ જળ સંધિ અટકાવવા સહિતના નિર્ણયો લીધા છે, તો પાકિસ્તાને પણ ભારત માટે એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ બાંગ્લાદેશ પર નિશાન સાધ્યું છે.
‘બાંગ્લાદેશને ગંગાનું અપાઈ રહેલું પાણી બંધ કરવાનો સમય આવી ગયો
દુબેએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે કે, ‘બાંગ્લાદેશ પણ કૂદકા મારી રહ્યું છે, તેથી ત્યાં જતું ગંગાનું પાણી બંધ કરવાનો સમય આવી ગયો છે. આપણું પાણી પીને જીવી રહ્યો છે અને ગાણા પાકિસ્તાનના ગાઈ રહ્યો છે.’ આ સાથે દુબેએ એક સ્ક્રીન શૉટ પણ શેર કર્યો છે, જેમાં લખાયું છે કે, ‘ગંગાજલ ઈન પાપિયોં કો?’
ભારત વિરુદ્ધ ઉગ્રવાદ વધારવાની બાંગ્લાદેશની સંડોવણી?
ભાજપ સાંસદે જે રિપોર્ટ શેર કર્યો છે, તે મુજબ, પહલગામ આતંકવાદી હુમલા થયાના એક દિવસ બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદાકીય સલાહકાર ડૉ.આસિફ નજરૂલે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા (LeT)ના સીનિયર ઑપરેટર ઇજહાર સાથે કથિત મુલાકાત કરી હતી. આ બાબતથી પરિચિત લોકોએ કહ્યું કે, ‘આવી મુલાકાતોથી ઢાકાની વર્તમાન સરકારની ભારત વિરુદ્ધ ઉગ્રવાદ વધારવાની સંડોવણીની શંકા ઉભી થાય છે.
આ પણ વાંચો : ભારતીય સેના દ્વારા કાર્યવાહીનો ડર, પહલગામ હુમલાની જવાબદારી લેનારા TRFએ પલટી મારી
દુબેએ નેહરુ પર કર્યો કટાક્ષ
ભાજપ સાંસદ દુબેએ 1960ના સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે અને કહ્યું હતું કે, ‘હવે પાકિસ્તાન પાણી વગર મરી જશે.’ તેમણે સંધિ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર કટાક્ષ કર્યો હતો કે, 1960માં નોબલ પુરસ્કાર મેળવવા માટે તેઓ સાપને પાણી પીવડાવવા માટે તૈયાર થઈ ગયા. સિંધુ જળ સંધિ પર 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.
પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત અને 17 લોકોને ઈજા થઈ હતી. આ કાયરતાપૂર્વકની અને ભયાનક ઘટના બાદ દેશભરમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં વિદેશમાં પણ હુમલાના પડઘા પડ્યા હતા.