'એવા લોકો ગદ્દાર છે જે મોદી-યોગીને..' ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન, કોંગ્રેસની કાર્યવાહીની માગ
Image : Twitter |
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીના પ્રચારમાં તમામ પાર્ટીઓ ભરપૂર તાકાત લગાવી રહી છે. એકબીજા સામે શબ્દબાણ પણ છોડવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન અનેક નેતાઓની જીભ લપસી જાય છે અને એવા નિવેદનો આપી દેવામાં આવે છે કે જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાઈ જાય છે.
કોણે આપ્યું વિવાદિત નિવેદન...
ગૌતમ બુદ્ધ નગરથી ભાજપના સાંસદ મહેશ શર્મા સાથે પણ આવું જ થયું. તેમણે એક સભાને સંબોધતા એવું નિવેદન આપ્યું કે જે હવે વાયરલ થવા માંડ્યું છે. કોંગ્રેસે પણ આ નિવેદન સામે વાંધો ઊઠાવતાં તેમની સામે કાર્યવાહીની માગ કરી દીધી છે.
શું બોલ્યાં ભાજપના સાંસદ
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાય તે પહેલા સાંસદ મહેશ શર્માએ કહ્યું કે જે લોકો વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના નથી માનતા એ લોકો ગદ્દાર છે. બુલંદશહેરમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે જે લોકો મોદી અને યોગીને પોતાના નથી સમજતા તે પોતાના પિતાને પણ પોતાના નહીં સમજે. જો કોઈ કહે છે કે તે મોદી યોગી કરતાં પણ તેમના માટે પ્રિય છે તો તે દેશના ગદ્દાર છે. આવી વ્યક્તિઓ દેશ કે રાજ્યનું કલ્યાણ નથી ઈચ્છતી.
કોને નિશાન બનાવતા કરી ટિપ્પણી...
અમુક રિપોર્ટમાં દાવો કરાયો છે કે મહેશ શર્માએ આ ટિપ્પણી યુપીના એક વિશેષ સમુદાયને નિશાન બનાવતા કરી હતી. 12 એપ્રિલના ભાષણનો એક વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી.એ ચૂંટણીપંચને કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ચૂંટણી પંચ નક્કી કરે કે તે કોના છે?