બાંગ્લાદેશમાં અસ્થિરતા વચ્ચે કંગનાની ક્રિપ્ટિક પોસ્ટ, લખ્યું - 'શાંતિ કોઈ હવા કે સૂર્યપ્રકાશ નથી જે મફતમાં..'
Kangana Ranaut On Bangladesh Violence: બાંગ્લાદેશમાં ભારે ઉથલપાથલ થઈ રહી છે. આ દરમિયાન અનામતના વિરોધની આડમાં રમખાણકારો હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. આ અંગે બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતે સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. જેમાં તેમણે દેશમાં શાંતિની લડાઈનો ઉલ્લેખ કરતાં હિંદુઓને તેમની જમીનની રક્ષા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. અગાઉ પણ તેણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામું અને દેશ છોડવા પર પ્રતિક્રિયા આપી હતી.
કંગના રણૌતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારે હોબાળો મચી ગયો છે. હિંદુ સમુદાયના લોકો પર સતત હુમલા થઈ રહ્યા છે. આ અશાંતિ વચ્ચે ભાજપના નેતા કંગના રણૌતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'શાંતિ કોઈ હવા કે સૂર્યપ્રકાશ નથી જેને તમે તમારો જન્મસિદ્ધ અધિકાર માનો છો. જો તમને લાગે કે તે મફતમાં મળશે, તો એવું નથી. મહાભારત હોય કે રામાયણ, વિશ્વના ઇતિહાસની સૌથી મોટી લડાઈ શાંતિ માટેની લડાઈ છે. તલવારો ઉપાડો અને તેને ધારદાર બનાવો, દરરોજ કેટલીક લડાઈની પ્રેક્ટિસ કરતા રહો.'
કંગનાએ આગળ લખ્યું કે, 'જો તમે વધારે સમય ન આપી શકો તો દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ આપો. અન્યના હથિયાર માટે તમારું સમપર્ણ, લડવામાં તમારી અસમર્થતા ન હોવી જોઈએ. વિશ્વાસમાં શરણાગતિ એ પ્રેમ છે, પરંતુ જેઓ ડરથી શરણમાં જાય છે તે કાયર સમાન છે. ઇઝરાયલની જેમ આપણે પણ ઉગ્રવાદીઓથી ઘેરાયેલા છીએ. આપણે આપણા લોકો અને આપણી જમીનની સુરક્ષા માટે તૈયાર રહેવું જોઈએ.'
આ પણ વાંચો: આંદોલનની આગેવાની કરી શેખ હસીનાની સરકાર પાડી, હવે નવી સત્તામાં મંત્રી બન્યા આ વિદ્યાર્થીઓ
શેખ હસીનાના દેશ છોડવા પર કંગનાએ પ્રતિક્રિયા આપી હતી
મંડીથી ભાજપના સાંસદ કંગના રણૌતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના દેશ છોડવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ભારત તેની આસપાસના તમામ ઇસ્લામિક ગણરાજ્યોની મૂળ માતૃભૂમિ છે. અમને આનંદ છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન અમારા દેશને સુરક્ષિત માને છે. વિચારવા જેવી વાત એ છે કે ભારતમાં રહેતાં લોકો પૂછે છે કે હિંદુ રાષ્ટ્ર કેમ? કે રામ રાજ્ય શા માટે? આ સ્પષ્ટ થઈ ગયું છે. મુસ્લિમ દેશોમાં રહેતા લોકો સુરક્ષિત નથી. ખુદ મુસ્લિમો પણ પોતાને સુરક્ષિત અનુભવી શકતા નથી. બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બ્રિટનમાં જે થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે ભાગ્યશાળી છીએ કે અમને રામ રાજ્યમાં રહેવાનો મોકો મળ્યો છે. જય શ્રી રામ..!!'