પતિ-પત્ની એક બેડ પર ઊંઘે છે પણ પ્રેમ મોબાઈલને કરે છે, બાળકો ઓનલાઈન જન્મશે : ભાજપ સાંસદ
BJP MP Janardan Mishra: ભાજપ સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં મુકાયા છે. રેવાની એન્જીનીયરીંગ કોલેજની સુવર્ણ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા તેમણે નિવેદન આપ્યું કે 60 વર્ષ પછી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ફક્ત મોબાઈલ કેન્દ્રિત થઈ જશે અને તેમના બાળકો પણ ઓનલાઈન જન્મ લેશે. આ બાળકો સ્ટીલના હશે કે માંસ અને હાડકાંના હવે તે જોવાનું રહેશે.
સાંસદનું આ નિવેદન સાંભળીને કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને એન્જિનિયર્સ ખડખડાટ હસી પડ્યા હતાં. તેમણે કહ્યું કે, હું તમને આગ્રહ કરૂ છું કે, આ મુદ્દે તમે વિચાર કરો. આજે પતિ-પત્ની એક જ પથારીમાં સૂવે તો છે, પરંતું એકનું મુખ દક્ષિણ તરફ અને બીજાનું મુખ ઉત્તર તરફ હોય છે. તેઓ મોબાઈલને પ્રેમ કરે છે અને તેમાં જ રચ્યાપચ્યા રહે છે. આપણા દ્વારા જ બનાવવામાં આવેલા ડિવાઈસે આજે આપણને જ અલગ કરી નાખ્યા છે.
ઓનલાઈન બાળકો પેદા થશે
સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે હું વિચારતો હતો કે હવે લગ્ન પણ ઓનલાઈન થવા લાગ્યા છે. હવે પચાસ-સાઠ વર્ષ પછી બાળકોનો જન્મ પણ ઓનલાઈન થશે. તે સ્ટીલનું બાળક હશે કે માંસ અને હાડકાંનું બાળક હશે, તે જોવાનું રહેશે.
માનવતા ગુમાવી
મોબાઈલ ફોનના કારણે આપણે આપણી માનવતા, પ્રેમ, સૌહાર્દ, સામાજિક એકતા ગુમાવી છે. તેને અકબંધ રાખવાની જરૂર છે. આપણું સામાજિક જીવન કેવી રીતે જાળવવું જોઈએ? તે અંગે વિચારવાની જરૂર છે. એક ડિવાઈસના લીધે આપણે આપણી લાગણીઓ ગુમાવી રહ્યા છીએ.
અગાઉ પણ ચર્ચાસ્પદ નિવેદન
જનાર્દન મિશ્રાએ અગાઉ પણ આ પ્રકારનું ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં એક આઈએએસ અધિકારીને જીવતો જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. રેવાના નિગમ સચિવ સભાજીત યાદવ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં તેને પાવડા વડે જમીન ખોદી જીવતો જમીનમાં દાટી દેવાનું નિવેદન આપ્યું હતું.
આ નિવેદનોથી હંમેશા વિવાદમાં
આ જ સાંસદ હંમેશા પોતાના નિવેદનો માટે વિવાદમાં રહે છે. એક જૂના વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, સરપંચને મોંઘવારીનો ખર્ચ ઉમેરીને 15 લાખ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવી જોઈએ. અન્ય એક નિવેદનમાં સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું હતું કે મોદીની દાઢીમાં ઘર જ ઘર છે, જો તેઓ તેને એકવાર હલાવે તો 50 લાખ રૂપિયા અને બીજી વખત 1 કરોડ રૂપિયાનું ઘર મળશે. જો તમે તેમને નહીં જુઓ તો ઘર નહીં મળે, જ્યાં સુધી મોદીની દાઢી રહેશે ત્યાં સુધી તમને મકાન મળતાં રહેશે.