સગીરા પર રેપના કેસમાં ભાજપના ધારાસભ્ય રામદુલારને 25 વર્ષની જેલ

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
સગીરા પર રેપના કેસમાં ભાજપના ધારાસભ્ય રામદુલારને 25 વર્ષની જેલ 1 - image


- ઉત્તર પ્રદેશમાં દુદ્ધીના ધારાસભ્યને રૂ. 10 લાખનો દંડ

- રામદુલાર પર 2014માં એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યાનો આરોપ, નવ વર્ષે ચૂકાદો આવ્યો : ધારાસભ્યપદ ગુમાવવું પડશે

સોનભદ્ર : ઉત્તર પ્રદેશમાં સોનભદ્રની દુદ્ધી વિધાનસભા બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય રામદુલાર ગૌંડને એક  સગીરા પર બળાત્કારના કેસમાં શુક્રવારે કોર્ટે ૨૫ વર્ષની કેદ અને ૧૦ લાખ રૂપિયાના દંડની જાહેરાત કરી છે. એમપી-એમએલએ સેશન્સ કોર્ટે લગભગ ૯ વર્ષ સુધી ચાલેલા કેસમાં રામદુલારને દોષિત ઠેરવ્યો હતો. આ સજાના પગલે હવે રામદુલારે ધારાસભ્ય પદ ગુમાવવું પડે તેવી શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત દુદ્ધી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રામદુલાર ગૌંડ વિરુદ્ધ ૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ આ ક્ષેત્રની એક સગીરાએ બળાત્કાર અને પોક્સો હેઠળ કેસ નોંધાવ્યો હતો. 

ધારાસભ્ય પર આરોપ હતો કે તે એક વર્ષ સુધી મારા પર બળાત્કાર કરી રહ્યો હતો. તે સમયે પીડિતાની વય માત્ર ૧૫ વર્ષ હતી. 

આ ઘટના સમયે રામદુલાર ગૌંડની પત્ની સુરતન દેવી સરપંચ હતી અને રામદુલાર ગૌંડની છબી એક દબંગ નેતાની હતી.

સમય જતાં રામદુલાર ગૌંડનું રાજકીય કદ સતત વધતું ગયું અને વર્ષ ૨૦૨૨માં તે ભાજપના દુદ્ધી ક્ષેત્રના ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. આ સમય દરમિયાન કેસની સુનાવણી પણ સતત ચાલતી રહી અને ધારાસભ્ય બન્યાના થોડાક દિવસો પહેલાં જ પોલીસે અંતિમ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ રામદુલાર ગૌંડ સતત કોર્ટમાં હાજર થતો રહ્યો અને પોતાનો પક્ષ રજૂ કરતો રહ્યો, પરંતુ ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ એમપી-એમએલએ કોર્ટના સેશન્સ ન્યાયાધીશ પ્રથમ એહસાનુલ્લાહ ખાનની કોર્ટે રામદુલારને સગીરા પર બળાત્કાર બદલ દોષિત ઠેરવ્યો હતો અને ન્યાયિક અટકાયતમાં જેલમાં ધકેલી દીધો હતો. વિશેષ એમપી-એમએલએ કોર્ટે શુક્રવારે રામદુલારને ૨૫ વર્ષની કેદની સજા અને રૂ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો હતો. પીડિતાના વકીલ વિકાસ શાક્યે કહ્યું કે હાઈકોર્ટે દુદ્ધીના ધારાસભ્યને મહત્તમ સજા સંભળાવતા ૨૫ વર્ષની કેદની સજા કરી છે અને રૂ. ૧૦ લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમ પીડિતાને પુનર્વાસ માટે અપાશે.


Google NewsGoogle News