ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિમવા અંગે મોટા સમાચાર, જાણો ક્યારે થશે જાહેરાત
BJP Organizational Elections Meeting: ભાજપને નવા વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. ભાજપ નેતા પીટી કુંજાંગે કહ્યું કે, '15 જાન્યુઆરી સુધી રાજ્ય અને જિલ્લા અધ્યક્ષોની ચૂંટણી પૂર્ણ થઈ જશે. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે.'
દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ
ભાજપની નવી દિલ્હી ખાતે પાર્ટી હેડક્વાર્ટમાં રવિવારે સંગઠન ચૂંટણીને લઈને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, તમામ મહાસચિવ, તમામ પ્રદેશ અધ્યક્ષ અને તમામ પ્રદેશ મહાસચિવો સાથોસાથ સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયાના પ્રમુખ અને સહ પ્રમુખ સામેલ થયા. બેઠક બાદ કુંજાંગે જણાવ્યું કે, 'બેઠકમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓ પર ચર્ચા થઈ.'
ગુજરાત સહિતના રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષની થશે નિમણૂક
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરને 15 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 2023માં પૂર્ણ થઈ ચૂક્યો છે. જો કે લોકસભા અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જોતા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. નડ્ડા જાન્યુઆરી 2020માં પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. ભાજપના બંધારણ અનુસાર, કોઈ વ્યક્તિ વધુમાં વધુ બે કાર્યકાળ સુધી સતત અધ્યક્ષ રહી શકે છે. સાથે જ નડ્ડાને કેન્દ્રીય મંત્રિમંડળમાં પણ સામેલ કરાયા છે, તેવામાં તેમના ફરીથી અધ્યક્ષ બનવાની આશા નથી.
આખું વર્ષ ભાજપ મનાવશે સુશાસન પર્વ
કુંજાંગે જણાવ્યું કે, 'પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીને આખાં એક વર્ષ સુધી મનાવવાનો નિર્ણય લેવાયો છે. આ વર્ષે તેમણે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે ભાજપ તેમની જયંતીને પૂરા એક વર્ષ સુધી સુશાસન પર્વ તરીકે મનાવશે. સાથે એ પણ નિર્ણય લેવાયો છે કે, પાર્ટી કોંગ્રેસ દ્વારા બીઆર આંબેડકરના અપમાનના આરોપ લગાવવાના જવાબમાં સંવિધાન પર્વ પણ મનાવશે.'
આ પણ વાંચો: બંધારણ, મહાકુંભ અને ઓલિમ્પિક... PM મોદીએ 117મી વખત કરી મન કી બાત, જાણો શું કહ્યું...