Get The App

વધુ એક લોકસભા બેઠકની પેટાચૂંટણી બની હાઈપ્રોફાઈલ! ભાજપ પૂર્વ CMને મેદાને ઉતારવા તૈયાર

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
વધુ એક લોકસભા બેઠકની પેટાચૂંટણી બની હાઈપ્રોફાઈલ! ભાજપ પૂર્વ CMને મેદાને ઉતારવા તૈયાર 1 - image


Maharashtra Assembly Elections : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની સાથે સાથે નાંદેડ લોકસભા પેટાચૂંટણી પણ યોજાવાની છે. આ માત્ર એક બેઠકની પેટાચૂંટણીને ભાજપ સામાન્ય લેવા નથી માંગતી.  અહીં મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી કરી રહી છે.

મહારાષ્ટ્ર ભાજપના સૂત્રોનું કહેવું છે કે, પૂર્વ સીએમ અને રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણને પણ અહીંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. પાર્ટીમાં તેમના નામ પર   ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નાંદેડ તેમનો ગઢ માનવામાં આવે છે. અહીં તેમનો પ્રભાવ અને પાર્ટીની મોટી વોટ બેંક દ્વારા જીતશે તેવી આશા છે. 

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અશોક ચવ્હાણને જ મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો તે જીતે છે તો રાજ્યમાંથી અન્ય નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ સાંસદ વસંત ચવ્હાણના પુત્ર રવિન્દ્ર ચવ્હાણને ઉમેદવાર જાહેર કર્યા છે. તો આ બાજુ ભાજપને લાગે છે કે, રવિન્દ્ર ચવ્હાણને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ વસંત રાવના નિધનથી ઉભી થયેલી સહાનુભૂતિનો ફાયદો મેળવી શકાશે. ત્યારે ભાજપ આ બેઠક પર જોરદાર લડત આપવાના મૂડમાં છે. અને એજ કારણસર  પૂર્વ સીએમને મેદાનમાં ઉતારવાની યોજના બનાવવામાં આવી રહી છે. અશોક ચવ્હાણ ઉપરાંત પૂર્વ સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરનું નામ પણ ચર્ચામાં છે.

જો કે, હાલમાં સૌની નજર ભાજપના ઉમેદવાર પર મંડાયેલી છે, કે આખરે કોને તક આપવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે અનેક સમર્થકો પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે એ પછી પણ નાંદેડ સીટ પર પાર્ટીને ફાયદો મળ્યો નથી. અહીંની ચૂંટણીમાં કોંગ્રેસના વસંતરાવ ચવ્હાણે ભાજપના પ્રતાપ પાટીલ ચિખલીકરને 60 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. એટલે ભાજપને હવે લાગે છે કે અશોક ચવ્હાણને મેદાનમાં ઉતારવા જોઈએ.

વ્યક્તિગત રીતે તેમને મેદાનમાં ઉતારવાથી ભાજપ અને તેના સમર્થકો સક્રિય થઈ શકે છે. જેના કારણે ડબલ તાકાત મળશે. પરંતુ જો તેઓ ચૂંટણી નહીં લડે તો તેમના સમર્થકો સક્રિય થવાની શક્યતાઓ ઓછી છે. કોંગ્રેસના ચૂંટાયેલા સાંસદ વસંતરાવ ચવ્હાણના અવસાનના કારણે આ બેઠક ખાલી પડી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને સહાનુભૂતિનો લાભ મળી શકે છે. પરંતુ ભાજપ અશોક ચવ્હાણ દ્વારા આકરા મુકાબલાની તૈયારીમાં છે.



Google NewsGoogle News