Get The App

શિંદેને મનાવવા પુત્રને ડેપ્યુટી CM બનાવશે ભાજપ? કેન્દ્રમાં પણ મળી શકે છે મોટું પદ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
eknath-shinde


Maharashtra CM: મહારાષ્ટ્રમાં મહાયુતિની શાનદાર જીત બાદ હવે બીજેપી નેતૃત્વને નવા મુખ્યમંત્રીને પસંદ કરવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જયારે શિવસેના એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહી છે. જયારે એનસીપીએ આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપી રહી છે.આગામી એક-બે દિવસમાં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને ભાજપની નેતાગીરી મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે.

શિવસેનાના ભાગ પડ્યા બાદ સંજોગો બદલાયા હતા 

મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભામાં શિવસેનાના ભાગ પડ્યા બાદ ભાજપે ગઠબંધન સરકાર બનાવી ત્યારે સંજોગોને ધ્યાનમાં લેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પડ્યા. સરકારની સ્થિરતા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવા માટે મનાવવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે અજિત પવાર એનસીપી તોડીને સરકારમાં જોડાયા ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. 

ભાજપ બહુમતની નજીક હોવાથી હાલ પરિસ્થિતિ અલગ છે 

પરંતુ, તાજેતરની વિધાનસભાની ચૂંટણી બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભાજપને પોતાના દમ પર 130થી વધુ બેઠકો મળી છે, જ્યારે બહુમતનો આંકડો 145 છે. અહીં શિવસેના અને એનસીપીએ પણ તેમની ક્ષમતા કરતાં વધુ બેઠકો જીતીને ગઠબંધનને ખૂબ મજબૂત બનાવ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં CM પદ માટે ખેંચતાણ: ફડણવીસના નામ પર શિંદેએ ફસાવ્યો પેચ

મરાઠા હોવાના કારણે શિંદેનો દાવો મજબૂત

આટલી મોટી જીત બાદ પણ ભાજપની નેતાગીરી ભવિષ્યના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં નિર્ણય લઈ રહી નથી. કારણ કે શિંદે મરાઠા સમુદાયમાંથી આવે છે, મરાઠા આરક્ષણ આંદોલન અને અન્ય સંજોગોમાં મરાઠા નેતૃત્વ માટે તેમનો દાવો ખૂબ મજબૂત છે. જયારે ફડણવીસ બ્રાહ્મણ છે. ભાજપમાં ઓબીસી નેતૃત્વનો પણ વિચાર છે. આ સિવાય ભાજપ આગામી BMC ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી રહ્યું છે. તે એવો કોઈ નિર્ણય લેવા માંગતી નથી જેનાથી આ મોટી જીત બાદ મુંબઈમાં આંચકો લાગે.

નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ શરુ 

સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે દિલ્હીમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના લગ્નમાં મહારાષ્ટ્રના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી હતી. જેમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચા થઈ હતી. ભાજપમાં એક ફોર્મ્યુલા ચર્ચાઈ રહી છે કે શિંદેને કેન્દ્રમાં લાવવામાં આવે અને તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. એવી પણ ચર્ચા છે કે શિંદેને હાલ પૂરતું હટાવવામાં નહીં આવે અને પછી ફેરફારો કરવામાં આવશે.

શિંદેને મનાવવા પુત્રને ડેપ્યુટી CM બનાવશે ભાજપ? કેન્દ્રમાં પણ મળી શકે છે મોટું પદ 2 - image



Google NewsGoogle News