પેટાચૂંટણીમાં કમળ કરમાયું: 13માંથી માત્ર બે જ બેઠક ભાજપના ખાતામાં, જુઓ ક્યાં-કોણ જીત્યું
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન
બંગાળમાં મમતાની પાર્ટી ટીએમસીએ કર્યું ક્લીન સ્વીપ
લોકસભાની ચૂંટણી પછી 7 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આજે સામે આવ્યા છે. આ પરિણામોમાં ઈન્ડિ ગઠબંધનનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેની સામે ભાજપને ભારે નુકસાન થયું છે. આ 13માંથી 10 બેઠક ઈન્ડિ ગઠબંધનના ફાળે ગઈ છે, તો માત્ર બે જ સીટ ભાજપના ભાગમાં આવી છે. એક સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
દેશના 7 રાજ્યોની 13 બેઠકો પર યોજાઈ પેટા ચૂંટણી
મધ્યપ્રદેશની અમરવાડા, બિહારની રૂપૌલી, પંજાબની જાલંધર પશ્ચિમ, પશ્ચિમ બંગાળની રાનાઘાટ દક્ષિણ, રાયગંજ, બાગદા, માનિકતલા, હિમાચલની હમીરપુર, દેહરા અને નલગઢ, ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલૌર અને તમિલનાડુની વિક્રવંડી બેઠક માટે 10 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસને 4, ટીએમસીને 4, ભાજપને 2 તેમજ આપ, ડીએમકે અને અપક્ષે 1-1 સીટ પર જીત મેળવી છે.
ઉત્તરાખંડમાં કોંગ્રેસે કર્યું ક્લીન સ્વીપ
દેવભૂમિ ઉત્તરાખંડમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે. અહીં બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જે બંને પર કોગ્રેસે જીત હાંસલ કરી છે. મંગલૌર સીટ પર કાજી નિઝામુદ્દિને ભાજપના ઉમેદવાર કરતારસિંહ ભડાનાને માત આપી છે. જ્યારે બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસના લખપતસિંહ બુટોલાએ ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ બંડારીને 5095 વોટથી હરાવ્યા છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન
હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. અહીં ત્રણ સીટો માટે પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં બે સીટો કોંગ્રેસના તો એક સીટ ભાજપના ખાતે આવી છે. દેહરા સીટ પરથી કોંગ્રેસના કમલેશ ઠાકુરે ભાજપના હોંશિયારસિંહને 9 હજારથી વધુ વોટોથી હરાવ્યા છે. તો નલગઢ સીટ પર કોંગ્રેસના હરદીપસિંહ બાવાએ કૃષ્ણલાલ ઠાકુરને માત આપી વિજય પતાકા લહેરાવી છે. હમીરપુરની સીટ ભાજપના આશિષ શર્માના ખાતામાં ગઈ છે, તેમણે કોંગ્રેસના પુષ્પેન્દ્ર વર્માને 1433 વોટથી હરાવ્યા છે.
બંગાળમાં મમતાની પાર્ટીએ કર્યું ક્લીન સ્વીપ
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ચારેય બેઠક જીતી લીધી છે. રાનાઘાટથી ટીએમસીના મુકુટ મણી અધિકારી, રાયગંજથી ટીએમસીના કૃષ્ણા કલ્યાણી, બાગદાથી ટીએમસીના મધુપૂર્ણા ઠાકુરે જીત હાંસલ કરી છે.
મધ્યપ્રદેશની એક બેઠક ભાજપના ખાતે
મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા મુકાબલામાં ભાજપના કમલેશ શાહે કોંગ્રેસના ધીરેનસિંહને 3 હજાર વોટથી હરાવી જીત મેળવી છે.
બિહારના પરિણામમાં મોટો ઉલટફેર
બિહારની રૂપૌલ વિધાનસભા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં અપક્ષ ઉમેદવાર શંકરસિંહે જેડીયુના કલાધર મંડલને 8 હજાર કરતાં વધારે વોટથી હરાવ્યા છે.
પંજાબની એક સીટ આમ આદમી પાર્ટીએ જીતી
પંજાબની જાલંધર વેસ્ટ બેઠક પર આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે ભાજપના શીતલ અંગુરલને 37 હજાર કરતા વધારે વોટોથી માત આપી છે.
તમિલનાડુમાં સત્તાધારી પક્ષે વિજય પતાકા લહેરાવી
તમિલનાડુની વિક્રવંડી વિધાનસભા બેઠક પર સત્તાધારી પક્ષ ડીએમકેએ જીત મેળવી છે. ડીએમકેના અન્નિયુર શિવાએ પટ્ટાલી મક્કલ કાચી પાર્ટીના કે અન્બુમણીને 67 હજાર કરતા પણ વધુ વોટોથી હરાવ્યા છે.