રાહુલ ગાંધી પર કેસ કરશે ભાજપ: શીખ મુદ્દે નિવેદન સામે કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો આક્રોશ
BJP Leaders Slams Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ તેમના સંબોધનોમાં ભાજપ અને આરએસએસ પર પ્રહારો કરી રહ્યા છે. જો કે, તાજેતરમાં તેમણે શીખો ઉપર કરેલી ટિપ્પણી પર ભારે વિવાદ થઇ રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીના આ નિવેદનનો ભારે વિરોધ કર્યો છે અને રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ચીમકી પણ આપી છે. એનડીએ સરકારના કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ 1984માં થયેલા શીખ નરસંહાર અંગે રાહુલ ગાંધીને અને કોંગ્રેસને ઘેર્યા હતા.
ભાજપે કર્યો વિરોધ
ભાજપે રાહુલ ગાંધીની 'શીખ' ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીએ કહ્યું કે, 'રાહુલ ગાંધી તેમની વિદેશ યાત્રા દરમિયાન ભારતને બદનામ કરવાનું પ્રયાસ કરી રહ્યા છે. હકિકતમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શીખ સમુદાય માટે ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા છે અને શીખ સમુદાય દેશમાં સન્માન સાથે રહી રહ્યું છે અને દેશને આગળ વધવામાં યોગદાન આપી રહ્યું છે. રાહુલ ગાંધીએ વિદેશમાં કોઇ પણ ખોટું નિવેદન ન આપવું જોઇએ.'
કેન્દ્રીય મંત્રીએ કર્યો પ્રહાર
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, '1984માં એક ષડયંત્ર હેઠળ શીખોનો નરસંહાર કરવામાં આવ્યું હતું. એમાં કોંગ્રેસના ઘણાં દિગ્ગજ નેતાઓ સામેલ હતા. એ વખતે 3 હજારથી વધુ શીખોની હત્યા કરવામાં આવી હતી. આ બાબતે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે રાહુલ ગાંધી બીજા લોકો પર સવાલ ઉભા કરી રહ્યા છે. વિપક્ષના નેતા હોવાના કારણે તેઓ એક બંધારણીય પદ પર છે આમ છતાં તેઓ વિદેશમાં ભારતને બદનામ કરવાનું પ્રયાસ કરી રહ્યા છે.'
ભાજપ નેતા ફરિયાદ દાખલ કરશે
ભાજપના શીખ નેતા સરદાર આરપી સિંહે કહ્યું કે, 'ગુરુદ્વારામાં લંગર પર લાગતા ટેક્સને માફ કરવા સહિત કેન્દ્ર સરકારે શીખોને સન્માન આપવાના અનેક કાર્યો કર્યા છે, માટે રાહુલ ગાંધીએ આવા નિવેદનો આપવાથી બચવું જોઇએ.' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે.
આ પણ વાંચોઃ શું NDAથી નારાજ છે ચિરાગ પાસવાન? અટકળો પર જવાબ આપતા કહ્યું- 'વર્ષ 2029માં પણ...'
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?
વર્જીનિયામાં રાહુલ ગાંધીએ તેમના એક સંબોધનમાં કહ્યું હતું કે, 'ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ અને તે ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે કેમ તે મુદ્દે લડાઈ સમાપ્ત થઈ નથી. સૌથી પહેલા આપણે સમજવું પડશે કે લડાઈ શું છે. લડાઈ રાજકારણની નથી. તે સુપરફિસિયલ છે. તમારું નામ શું છે? એક શીખ તરીકે તેને ભારતમાં પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ, શીખ તરીકે તેને ભારતમાં કડા પહેરવાની છૂટ આપવામાં આવશે કે નહીં અથવા શીખ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે નહીં તે અંગે લડાઈ ચાલી રહી છે. આ લડાઈ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ધર્મોની લડાઈ છે.'