રાહુલ ગાંધી સામે દેશદ્રોહનો કેસ ચલાવો, RSS વિશે ટિપ્પણી કરતા ભડક્યાં ભાજપના દિગ્ગજ નેતા
BJP leaders Slams Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં ભારત બાબતે અનેક નિવેદનો આપ્યા છે. તેમણે દેશની રાજકારણ, અર્થતંત્ર, રોજગાર અને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) જેવા મુદ્દે પર વાત કરી છે. તેમના નિવેદનો અંગે ભાજપ નેતા ગિરીરાજ સિંહે કડક ભાષામાં વળતો પ્રહાર કર્યો છે અને એટલે સુધી કહી દીધું છે કે કોંગ્રેસી નેતા પર દેશદ્રોહનો કેસ કરવો જોઈએ. અન્ય નેતાઓ પણ આ મુદ્દે બોલવા લાગ્યા છે ત્યારે સામસામા નિવેદનોને કારણે દેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે.
ગિરીરાજ સિંહે સાધ્યું રાહુલ ગાંધી પર નિશાન
અમેરિકામાં રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે ચીનના વખાણ કર્યા હતા અને ભારતમાં બેરોજગારી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે કહ્યું કે, ‘ભારતના વખાણ કરવાને બદલે રાહુલ ગાંધી ભારતની બહાર જઈને ભારત વિશે ખરાબ બોલી રહ્યા છે અને દુશ્મન દેશના વખાણ કરી રહ્યા છે. તેઓ ચીનના પૈસા પર જીવતા હોય એવું લાગે છે, તેથી જ તેઓ આ રીતે ભારતની ટીકા કરે છે.’
દેશદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ
ગુસ્સામાં ગિરીરાજ સિંહે એટલે સુધી કહી દીધું હતું કે, ‘રાહુલ ગાંધી દેશની છબિ ખરાબ કરવા માટે જ વિદેશ જાય છે. વિદેશમાં જઈને દેશની નિંદા કરનાર આવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ.”
RSS વિશેના નિવેદનની ઝાટકણી
અમેરિકામાં રાહુલ ગાંધીએ RSS વિશે કહ્યું હતું કે, ‘RSS માને છે કે ભારત એક વિચાર પર આધારિત દેશ છે, પરંતુ અમે માનીએ છીએ કે ભારત અનેક પ્રકારના વિચાર ધરાવતો દેશ છે. અમે માનીએ છીએ કે દરેકને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના ભારતમાં રહેવા-સમાવાની છૂટ હોવી જોઈએ.’
તેમના નિવેદન પર આકરા થતાં ગિરીરાજ સિંહે કહ્યું, ‘જો અવસાન પામેલી વ્યક્તિ સાથે વાત કરવાની કોઈ ટેકનિક હોય તો રાહુલે તેમની દાદીને RSSની ભૂમિકા વિશે પૂછવું જોઈએ અથવા તેમણે ઈતિહાસ વાંચવો જોઈએ. RSSનો જન્મ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓમાંથી થયો હતો.’
લોકસભામાં જીત મુદ્દે નિવેદનબાજી
અમેરિકામાં રાહુલે કહ્યું હતું કે, ‘લોકસભા ચૂંટણીના પરિણામથી સાબિત કરી દીધું છે કે ભારતના લોકોમાં ભાજપ અને વડાપ્રધાન મોદીનો ડર દૂર થઈ ગયો છે.’ એના જવાબમાં સિંહે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘દેશે લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત 'યુવરાજ' રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની પાર્ટીને નકારી કાઢી છે.’
દેશની સારી બાબતો વિશે કેમ નથી બોલતા?
ગિરીરાજ સિંહે કહ્યું હતું કે, ‘અગાઉ ભારત સંરક્ષણ ક્ષેત્રે ફક્ત આયાત કરતું હતું, હવે 'મેક ઇન ઇન્ડિયા'ની સફળતાને કારણે ભારત આ ક્ષેત્રે નિકાસ કરતું થયું છે. આ ક્ષેત્રે ભારત 19 લાખ કરોડ રૂપિયાની આયાત કરતું હતું, હવે તે 80 લાખ કરોડ રૂપિયા જેટલી નિકાસ કરે છે. આવા હકારાત્મક મુદ્દે રાહુલ ગાંધી કેમ નથી બોલતા?’
આ નેતાના પણ રાહુલ ગાંધી પર પ્રહાર
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નલિન કોહલીએ પણ રાહુલ ગાંધીને સલાહ આપતાં કહ્યું હતું કે, ‘તેઓ વિશ્વની સૌથી મોટી લોકશાહીના વિપક્ષના નેતા છે, તેથી તેમણે પોતાના શબ્દો એવી રીતે પસંદ કરવા જોઈએ જે વિદેશમાં ભારતનું સંપૂર્ણ અને સાચું ચિત્ર રજૂ કરે. એ વિચિત્ર કહેવાય કે તેમને ચીનના સારા પાસાં દેખાય છે અને ભારતના નહીં. તેઓ RSSના ઈતિહાસ વિશે સવાલો ઉઠાવે છે, પરંતુ તેઓ દુનિયાને એ નથી જણાવતા કે મોદી સરકારના આગમન સુધી ભારતનો ઈતિહાસ અવ્યવસ્થિત રીતે ભણાવવામાં આવતો હતો. ભારતની ભવ્ય પરંપરા એવા ‘ઈન્ટરનેશનલ યોગા ડે’ પર પણ તેઓ જોવા નહીં મળે. રાહુલ ગાંધી ભારતની કોઈપણ સારી વસ્તુ સાથે જોડાવા નથી માંગતા.’
કમસેકમ તમે તો સલાહ ન જ આપો
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ રાહુલની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘તમારા પરિવારે દેશમાં કટોકટી લાદી હતી અને બંધારણીય અધિકારોને કચડી નાખ્યા હતા, એટલે તમે તો ભારતમાં શું અને કેવું હોવું જોઈએ એ વિશે સલાહ ન જ આપો. તમારા પરિવાર અને પાર્ટીએ 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા' એવું જાહેર કર્યું હતું. એક વ્યક્તિને આખા દેશ સાથે કઈ રીતે સરખાવી શકાય? આ માટે તમારે દેશની માફી માંગવી જોઈએ.’
કોંગ્રેસે કર્યો વળતો હુમલો
દરમિયાન કોંગ્રેસે રાહુલ ગાંધીના નિવેદનોને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું હતું કે, ‘બુદ્ધિશાળી માણસે RSSને સમજવામાં પોતાનો સમય વેડફવો ન હોઈએ. એમાં સમજવા જેવું શું છે? RSSનો 100 વર્ષનો ઈતિહાસ જુઓ, તે પોકળ છે. તેમણે દેશ વિરુદ્ધ કામ કર્યું છે, દેશ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે, અંગ્રેજો સાથે સાંઠગાંઠ કરી છે. એ એક એવી સંસ્થા છે જેની પાસે પોતાની નોંધણી કરાવવાની અને પોતાના એકાઉન્ટ્સને સાર્વજનિક બનાવવાની હિંમત નથી. RSS દેશ, ધર્મ અને સંસ્કૃતિના સ્વઘોષિત 'ઠેકેદાર' બનીને તરીકે ફરે છે. આપણે આપણા દેશ, ધર્મ, સંસ્કૃતિને તેમનાથી બચાવવાની છે.’