સત્તા બચાવવા આ રાજ્યમાં ભાજપ પરિવારવાદનો લેશે સહારો! RSSની સલાહ વિપક્ષને આપશે 'મોકો'
Haryana BJP: લોકસભાની ચૂંટણી બાદ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈન્ડિયા ગઠબંધને જોરદાર દેખાવ કરતા 10 બેઠકો જીતી લીધી હતી. જ્યારે ભાજપના હાથમાં માત્ર બે બેઠક આવી હતી. હવે હરિયાણા (Haryana)માં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ (BJP)એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે. જો કે રાજ્યમાં ચૂંટણીમાં મોટી સંખ્યમાં નેતાઓ તેમના સંબંધીઓ માટે ટિકિટની માગ કરી રહ્યા છે. ત્યારે ભાજપ સત્તા બચાવવા પરિવારવાદનો સહારો લેશે કે નહીં તે જોવાનું રહેશે.
લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી સાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ મળી શક્યું ન હતું. ત્યારે હવે પાર્ટીની નજર આ વર્ષમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. આ માટે ભાજપ અને RSS સાથે મળીને કમર કસી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત માટે બંને એકસાથે તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે ભાજપ અને RSSના પદાધિકારીઓ વચ્ચે કડવાશ દૂર કરવા માટે સોમવારે (29 જુલાઈ) લાંબી બેઠક ચાલી હતી અને બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ભાજપ નેતાઓના સંબંધીઓને ટિકિટ આપવી કે નહીં તેના પર વધુ ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે હરિયાણામાં મોટા ભાગના ભાજપના નેતાએ પોતાના સંબંધીઓ માટે ચૂંટણી માટે ટિકિટ માગી છે જેના કારણે પાર્ટી મુશ્કેલીમાં ઉભી થઈ છે. કારણકે આ એવા લોકો છે જેઓ સંબંધીઓને જીતાડવા માટે સક્ષમ પણ છે. હવે પાર્ટીને એવો પણ ડર લાગી રહ્યો છે કે સંબંધીઓને ટિકિટ ન મળવાને કારણે નેતાઓ તટસ્થ થઈ જશે.
ભાજપ અને આરએસએસની બેઠકમાં શું થયું
અહેવાલ મુજબ ભાજપ-આરએસએસની સમન્વય બેઠકમાં આરએસએસના સરકાર્યવાહ અરુણ કુમાર, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી ખટ્ટર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (હરિયાણા ચૂંટણી માટે પાર્ટી પ્રભારી), લોકસભા સાંસદ બિપ્લબ દેબ અને ભાજપના મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષે ભાગ લીધો હતો. બેઠકમાં આરએસએસ અને ભાજપ વચ્ચે શ્રેષ્ઠ સંકલન કેવી રીતે બનાવી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ સ્વજનો માટે ટિકિટની માંગણી કરતા રાજ્યના નેતાઓ સાથે કેવી રીતે સામનો કરવો તે અંગે સ્પષ્ટ વલણ અપનાવવાનો પ્રયાસ કરાયો હતો. જો પાર્ટી નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે તો તેનાથી પ્રજા વચ્ચે કેવી છાપ ઊભી થશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી કારણ કે પરિવારવાદના રાજકારણનો વિરોધ એ ભાજપની મુખ્ય યુએસપી રહી છે.
ખરેખર ભાજપ અને આરએસએસએ પરિવારવાદની રાજનીતિ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યો છે. જોકે તેમ છતાં એવા ઘણા લોકોને ટિકિટ આપવામાં આવી હતી જેનાથી પરિવારવાદનો આરોપ લાગ્યો હતો. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે જ બની છે એટલા માટે જીતવાની ક્ષમતા જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. હરિયાણામાં પણ આવી જ સ્થિતિ છે. સંબંધીઓ માટે ટિકિટ માગતા અનેક નેતા તેમના સ્થાનિક ચૂંટણી ક્ષેત્રમાં આટલી મજબૂત સ્થિતિમાં છે કે તેમની અવગણના પાર્ટીને ભારે પડી શકે છે.
પીએમ મોદીએ પરિવારવાદની વ્યાખ્યા કરી હતી
ભાજપ માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષો પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવતી રહી છે. પરિવારવાદની રાજનીતિ સામે ભાજપનું આ સૂત્ર અસરકારક રહ્યું હતું કારણ કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી, આઈએનએલડી, પીડીપી, નેશનલ કોન્ફરન્સ, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર) સહિત દક્ષિણમાં ઘણી પાર્ટીઓ પરિવારવાદના આધારે ચાલી રહી છે. ભાજપ સામે પણ આ આરોપ છે. ભાજપમાં પણ ઘણા સંબંધીઓને ટિકિટ મળી છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ અન્ય પક્ષોની સરખામણીમાં આવું ઓછું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'જ્યારે હું પરિવારવાદી પાર્ટી કહું છું ત્યારે મીડિયાના લોકો મને પૂછે છે કે રાજનાથ સિંહનો પણ દીકરો છે. એટલે હું જણાવી દઉં છું કે બંને વચ્ચે તફાવત છે. જ્યારે હું પરિવારવાદી પાર્ટી કહું છું તો તેનો અર્થ પાર્ટી ઓફ ધી ફેમિલી થાય છે. બાય ધ ફેમિલી કે પછી ફોર ધી ફેમિલી. કોઈ પરિવારના 10 લોકો જો પબ્લિક લાઈફમાં આવે તો આ ખરાબ નથી. ચાર લોકો વધી ચઢીને આગળ આવશે તો હું તેને ખરાબ નથી માનતો પણ તે પાર્ટી નથી ચલાવતા, પાર્ટી નિર્ણય કરે છે.