'...કુત્તો કો વિકાસ સે મતલબ નહીં હોતા', ભાજપ નેતાની ડબલ મિનિંગ પોસ્ટ, વિવાદ થતાં ડીલિટ કરી
Social Media controversy: રાજકારણમાં કયા પક્ષને વધુ બેઠક મળે તો વાહવાહી અને ઓછી બેઠક મળે તો લોકોને ગાળઓ આપવી તે સામાન્ય બાબત છે. ભાજપ પ્રદેશ સંગઠન મહા મંત્રી રત્નાકરે સોશિયલ મીડિયા પર એક ડબલ મિનિંગવાળી પોસ્ટ મૂકતાં વિવાદ સર્જાયો હતો. અને અંતે તે પોસ્ટ ડીલિટ કરવાની ફરજ પડી હતી.
લોકસભામાં ભાજપને ઓછી બેઠકો આવતાં કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. વિકાસની રાજનીતિમાં ખોટ પડી હોવાથી રત્નાકર હતાશ થઈ ગયા હોવાનું તેમણે મૂકેલી પોસ્ટ પરથી લાગ્યું છે. તેમણે કૂતરાની સરખામણી કોની સાથે કરી તેની સચિવાલયમાં ભારે ચર્ચા હતી. રત્નાકરે સોશિયલ મીડિયા એક્સ પર તાજા બનેલા રોડ પર કૂતરાના પગલાંની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખી હતી કે, “કિતના ભી અચ્છા કામ કિયા ગયા હો, લેકિન કુછ લોગોં કા ઉસસે કોઈ લેના-દેના નહીં હોતા હૈ...” તેમણે આગળ લખ્યું છે કે “ઈસ ચિત્ર સે હમેં યે શિક્ષા મિલતી હૈ કિ કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ...”
આ પોસ્ટથી વિવાદ સર્જાયો
વિપક્ષોએ આ પોસ્ટને મતદારો સાથે સરખાવી ભાજપના નેતાને આડે હાથ લીધા છે. આ પોસ્ટના કારણે રત્નાકરના એકાઉન્ટ હેન્ડલ પર કોમેન્ટનો મારો પણ ચાલ્યો હતો. સોશિયલ મીડિયા વિવાદ વધુ વકરે તે પહેલાં રત્નાકરે આ પોસ્ટ થોડાં કલાકો પછી ડીલિટ કરી દીધી હતી. સચિવાલયમાં કર્મચારીઓ પણ આ પોસ્ટની મજા લઈ રહ્યાં હતા.