Get The App

સંસદમાં નેતાઓએ કરી રખડતા કૂતરા મુદ્દે ચર્ચા, એક વર્ષમાં 30 લાખથી વધુને કરડ્યાઃ ભાજપ નેતાએ ઉઠાવ્યો મુદ્દો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
 BJP MP Atul Garg


Issue of Stray Dogs: શ્વાન કરડવાના કિસ્સા તમે ઘણી વખત અખબાર કે ચા ની દુકાનમાં સાંભળ્યા હશે પરંતુ મંગળવારે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો. ગાઝિયાબાદથી ભાજપ સાંસદ અતુલ ગર્ગે આ મુદ્દો ઉઠાવ્યો. ભાજપ સાંસદે એક સવાલના જવાબમાં સંસદમાં જણાવ્યું કે સમગ્ર દેશમાં 30 લાખથી વધુ લોકોને શ્વાન કરડ્યા છે, જેમાંથી 286 લોકોના મોત નીપજ્યા છે. અમારા ગાઝિયાબાદમાં પણ એક વર્ષમાં 35 હજાર લોકોને કૂતરા કરડ્યા છે. તેમાં પણ નાના બાળકો કૂતરાનો સૌથી વધુ શિકાર થઈ રહ્યાં છે. 

અતુલ ગર્ગે લોકસભામાં એક અખબારમાં છપાયેલા રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે ‘ગાઝિયાબાદમાં એક બાળકનો કાન શ્વાને કરડી લીધો. ચાર દિવસ પહેલા સમાચાર આવ્યા હતાં કે હડકવાના કારણે એક બાળકનું મોત નીપજ્યું. જો શ્વાન પાલતું હોય અને તે કોઈને કરડે તો આ માટે તેનો માલિક જવાબદાર હોય છે. પાળેલા શ્વાન ગંદકી કરે તો આ માટે પણ કોઈક જવાબદાર હોય છે પરંતુ કોઈ રખડતો શ્વાન કરડી લે તો આ માટે ભોગ બનનાર વ્યક્તિ સમક્ષ કોઈ શ્વાનપ્રેમી આવતાં નથી.’

શહેરમાં ભયનું વાતાવરણ

ભાજપ સાંસદ અતુલ ગર્ગે કહ્યું કે ‘તમને વિનંતી છે કે પહેલા પણ સંસદની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર ઘણાં મુદ્દા પર પુનર્વિચાર થયો છે. શ્વાનની નસબંધીને લગતા પણ નિયમો બનાવાયા છે. આપણા શહેરના બાળકો રમી શકતાં નથી, લોકો હરીફરી શકતા નથી. શ્વાનના કારણે આતંકનો માહોલ છે અને બહાર નીકળવું હોય તો પણ દંડા લઈને નીકળવું પડે છે.’

શ્વાન કરડવાના કિસ્સા કેમ વધી રહ્યાં છે?

તેમણે કહ્યું કે ‘અધ્યક્ષ મહોદય તમને વિનંતી છે કે આ મુદ્દે બીજી વખત સમિતિ બનાવીને વિચાર થવો જોઈએ. જેઓ કહી રહ્યાં છે કે શ્વાનની વસતી નિયંત્રણમાં રાખવાનું કામ સારું ચાલી રહ્યું છે. હું તેમને પૂછવા માગું છું કે શ્વાન કરડવા અને તેનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા શા માટે વધી રહી છે? આ નિયમોમાં પશુ પ્રેમી અને માનવીની સ્વતંત્રતા વચ્ચે કોઈક અસંતુલન છે. સરકાર હોય કે અન્ય કોઈ પણ કોર્ટ હોય માનવતાને પ્રાથમિકતા મળવી જોઈએ. તમને વિનંતી છે કે આ વિષય પર એક સમિતિ બનાવીને ઠોસ પગલાં લો.’ 


Google NewsGoogle News