'કોંગ્રેસ જૉઈન કરશે સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે મદદ નથી કરી રહ્યા', ભાજપના દિગ્ગજ નેતાનો દાવો
Maharashtra Politics: ભાજપ નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ સંજય રાઉતને લઈને મોટો દાવો કરી દીધો છે. તેમણે કહ્યું કે, રાઉતનો રાજ્યસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને તેઓ વધુ એક કાર્યકાળ માટે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. રાણેનું કહેવું હતું કે, 'રાઉત તેને લઈને દિલ્હીના એક નેતા સાથે વાતચીત કરી રહ્યા છે.' રાણેએ એમ પણ કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરે વાળી પાર્ટીની પાસે રાઉતને નવો કાર્યકાળ અપાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી.'
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગત વર્ષ નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં 288 સભ્યોની વિધાનસભામાં શિવેસના (ઉદ્ધવ ઠાકરે)ને 20 બેઠક પર જીત મળી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા છંછેડાઈ, શું ઉદ્ધવ-શિંદે ફરી થશે એકજૂટ?
નિતેશ રાણેએ કહ્યું કે, 'રાઉતને 'સામના' (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીનું મુખપત્ર)માં લખવું જોઈએ કે, તેઓ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)માં કેટલો સમય ટક્યા રહેશે. તેમણે તે નેતા અંગે લખવું જેમની સાથે તેઓ દિલ્હીમાં કોંગ્રેસમાં સામેલ થવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે આ મુદ્દા પર પણ નિવેદન આપવું જોઈએ.'
રાણેની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે રાઉતે દાવો કર્યો છે કે, 'મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મતભેદથી રાજ્યમાં શાસન વ્યવસ્થાને અસર પડી રહી છે.'
આ પણ વાંચો: સંજય રાઉતનો દાવો- ઉદ્ધવ સેના સાથે ગઠબંધન ઈચ્છે છે ભાજપ નેતા, ઠાકરે લેશે અંતિમ નિર્ણય
રાઉતે શિવસેનાના મુખપત્ર 'સામના'માં પોતાના સાપ્તાહિક સ્તંભ 'રોખઠોક'માં દાવો કર્યો કે, 'શિંદે હજુ સુધી એ તથ્યને સ્વીકારી નથી શક્યા કે નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણી બાદ તેમણે મુખ્યમંત્રી પદ ફરી આપવામાં આવ્યું નથી અને તેઓ આ પદને ફરી મેળવવા માટે ખુબ પ્રયાસ કરી ર્હયા છે અને ફડણવીસ તેનાથી સારી રીતે વાકેફ છે.'