'તમે મોટી ભૂલ કરી, બિશ્નોઈ સમાજની માફી માગી લો...', ભાજપ નેતાની સલમાન ખાનને સલાહ
Salman Khan Blackbuck Poaching Case: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP (અજિત પવાર જૂથ) નેતા બાબા સિદ્દિકીની હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ ત્રણ ફરાર છે. બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. અહેવાલો અનુસાર, બાબા સિદ્દિકીની સલમાન ખાન સાથેની નિકટતાને કારણે હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા હરનાથ સિંહ યાદવે સલમાન ખાનને બિશ્નોઈ સમાજની માફી માંગવાની સલાહ આપી છે.
'બિશ્નોઈ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી'
ભાજપના નેતા હરનાથ સિંહ યાદવે સોશિયલ મીડિયા પ્લોટફોર્મ 'X' પર લખ્યું કે, 'બિશ્નોઈ સમાજ કાળિયાર હરણને દેવતા માને છે અને તેની પૂજા કરે છે. તમે તેનો શિકાર કર્યો, જેના કારણે બિશ્નોઈ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પોતાની મોટી ભૂલ માટે બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ.'
લોરેન્સ બિશ્નોઈ ગેંગ લાંબા સમયથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ બે વખત સલમાન ખાનની રેકી કરી હતી. આ ઉપરાંત લોરેન્સ ગેંગે સલમાન ખાનના ઘર પર ત્રણ વખત ફાયરિંગ કર્યુ હતું.
આ પણ વાંચો: કેમ સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ? જાણો ક્યાંથી શરૂ થઈ દુશ્મનાવટ
શું છે કાળિયાર હરણ કેસ?
વર્ષ 1998માં જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન તેના કો-એક્ટર સાથે શિકાર કરવા ગયા હતા. 27મી અને 28મી સપ્ટેમ્બર 1998ની રાત્રે ઘોડા ફાર્મ હાઉસમાં કાળિયાર હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. જેનો દોષ સલમાન ખાન પર હતો.
પહેલી ઑક્ટોબર 1998ની રાત્રે, જોધપુરના કાંકાણી ગામમાં રાત્રે લગભગ 2 વાગ્યે ગોળીનો અવાજ સંભળાયો. જ્યારે ગામલોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે બે કાળિયાર હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. ગામલોકોએ એક જિપ્સીને ત્યાંથી ભાગતી જોઈ. આ કેસમાં પહેલીવાર સલમાન ખાનની 12મી ઑક્ટોબર 1998ના રોજ ધરપકડ કરી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ સલમાનને 17મી ઑક્ટોબર 1998ના રોજ જોધપુર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
પાંચમી એપ્રિલ, 2018ના રોજ સલમાન ખાનને કાળિયાર હરણના શિકાર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાતમી એપ્રિલ, 2018ના રોજ સલમાન ખાનને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા અને તે જ દિવસે તેને મુક્ત કરવામાં આવ્યા હતા.