મને મારવા માટે દુશ્મનોએ 1 કરોડની સોપારી આપી, યોગી-અમિત શાહને ફરિયાદ કરી પણ....: UPમાં બીજેપી નેતાનો વધુ એક ધડાકો
BJP Leader Fateh Bahadur: દેશમાં અત્યાર સુધી બિહારમાં જંગલરાજની વાત આપણે સાંભળી છે પરંતુ હવે ઉત્તરપ્રદેશમાં પણ અસામાજિક તત્વોનો આતંક ફરી વધી રહ્યો છે. અવારનવાર બંદૂકની અણીએ હુમલાઓ, જાનથી મારી નાખવાની ધમકીઓ-ખંડણી અને અપહરણ-મર્ડરના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપને યુપીમાં પડેલા ફટકામાં પણ ગૃહ વિભાગની રાજ્યમાં ઢીલી પકડ જવાબદાર માનવામાં આવી રહી છે અને ખાસ કરીને ભાજપ સંગઠનને જ સરકારનું ગૃહ વિભાગ સહકાર નથી આપી રહ્યું હોવાની ફરિયાદ હાઈકમાન્ડ સુધી પહોંચી છે ત્યારે હવે બીજેપીના એક ધારાસભ્યે હત્યાનો ડર સતાવી રહ્યાંનો ખુલાસો કરતા ચોતરફ અરેરાટી ફેલાઈ છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુરની કેમ્પિયરગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના સાત વખતના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને તેમના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને સુરક્ષાની માંગ કરી છે.
ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે કહ્યું કે, મારા વિરોધીઓ દ્વારા હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મારી જાણકારી મુજબ વિરોધીઓએ આ માટે 1 કરોડ રૂપિયા એકઠા કરીને મારી સોપારી પણ આપી છે. અમિત શાહ અને CM યોગીને મેં અરજ કરી છે પરંતુ સૌથી મોટી ચિંતા એ છે કે પોલીસ પણ આ બધામાં સંડોવાયેલી છે. ફતેહ બહાદુરે કહ્યું કે, મારા પિતાનું 52 વર્ષની વયે અવસાન થયું હતું. હું 54 વર્ષની વયે મૃત્યુ પામીશ. આથી જ મેં બધાના ધ્યાન પર લાવી દીધું છે કે હું જીવતો રહીશ તો જ રાજકારણ કરી શકીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે ફતેહ બહાદુર સિંહ ભાજપના વર્તમાન ધારાસભ્ય છે અને તેઓ સાત વખત વિધાનસભામાં જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પહોંચી ચૂક્યાં છે. તદુપરાંત ફતેહ બહાદુર સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીર બહાદુર સિંહના પુત્ર પણ છે. તેઓ માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સરકારમાં વન મંત્રી પણ રહી ચૂક્યાં છે.
વધુ વાંચો : ઉત્તરપ્રદેશમાં સંગઠન-સરકારમાં નવાજૂનીના એંધાણ
એક અહેવાલમાં ફતેહ બહાદુર સિંહે જણાવ્યુ કે લગભગ 11 દિવસ પહેલા કોઈએ મને મોબાઈલ પર કોલ કર્યો અને કહ્યું કે, તમે જ્યાં છો ત્યાંથી દૂર જતા રહો. તમારો જીવ જોખમમાં છે. મને લાગ્યું કે કોઈ પાગલ હશે પરંતુ આ પછી મને મારી નાખવા માટે કોન્ટ્રાક્ટ આપવા વિરોધીઓએ ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું. મારી માહિતી મુજબ લગભગ 1 કરોડ રૂપિયા ભેગા થયા છે.
‘મેં આ માહિતી રાજ્ય સરકારને આપી હતી પરંતુ 10 દિવસ પછી પણ કોઈ તપાસ નથી થઈ કે કોઈ પોલીસ અધિકારીએ મને માહિતી મેળવવા ફોન પણ નથી કર્યો. આ પછી મેં કેન્દ્રીય નેતૃત્વને આ અંગે જાણ કરી હતી. હત્યાનું કાવતરું ઘડનારાઓનો પર્દાફાશ કરવામાં આવે તેવી મારી માંગ છે.’,
આમ હવે યોગી રાજમાં જનતા જ નહિ પરંતુ તેમની પોતાની પાર્ટીના નેતા જ પોતાને સુરક્ષિત નથી માની રહ્યાં અને બીજી તરફ સરકાર અને સંગઠનમાં ગજગ્રાહને કારણે રાજ્યનું એડમિનિસ્ટ્રેશન ખોરંભે ચઢ્યું છે.