પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રોડ બનાવીશું ભાજપના નેતા બિધૂડીએ વિવાદ છેડયો
કાલકાજી બેઠક પર ભાજપના ઉમેદવારે ભાન ભુલ્યા બાદ માફી માગી
ભાજપ મહિલા વિરોધી, બિધૂડીના નિમ્ન નિવેદનથી તેમના જ પક્ષની માનસિકતા બહાર આવી છે ઃ કોંગ્રેસ
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે ભાજપ મહિલા વિરોધી પાર્ટી છે. ભાજપના પૂર્વ સાંસદ અને કોલકાજી બેઠકના ઉમેદવાર રમેશ બિધૂડીએ પ્રિયંકા ગાંધી અંગે જે કહ્યું તે તેમની માનસિકતા અને ભાજપના ચરિત્રને દર્શાવે છે. જે માણસે સંસદમાં સાંસદો અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હોય અને તેમ છતા ભાજપ દ્વારા તેમની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવી હોય તે ભાજપની માનસિકતા દર્શાવે છે. શું આ નિમ્ન ભાષા અને વિચાર પર ભાજપના મહિલા નેત્રિયોં, મહિલા વિકાસ મંત્રી, જેપી નડ્ડા અને ખુદ વડાપ્રધાન મોદી કઇ બોલશે? મહિલા વિરોધી ઘટિયા ભાષા અને વિચારોના જનક ખુદ પીએમ છે. જેઓ મંગળસુત્ર અને મુજરા જેવા શબ્દો બોલે છે.
જ્યારે આપના સાંસદ સંજયસિંહે પણ બિધૂડી પર પ્રહારો કર્યા હતા, સંજયસિંહે કહ્યું હતું કે બિધૂડીની ભાષા જોવો, શું આ જ છે ભાજપનું મહિલા સન્માન? આ પ્રકારના નેતાઓના હાથમાં દિલ્હીની મહિલાઓનું સન્માન સુરક્ષિત છે? સમગ્ર મામલે ભારે વિવાદ બાદ રમેશ બિધૂડીએ કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવે હેમા માલિની અને પવન ખેરાએ વડાપ્રધાનના પિતા પર વિવાદિત નિવેદનો આપ્યા હતા ત્યારે કોઇએ તેમની પાસે માફીની માગ કરી હતી? મારો હેતુ કોઇનું અપમાન કરવાનો નહોતો, તેમ છતા જો કોઇ વ્યક્તિને દુઃખ થયું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું.