તાજમહેલની જગ્યાએ અમારો પેલસ હતો, અમારી પાસે છે દસ્તાવેજોઃ જયપુરના રાજવી પરિવારનો દાવો
નવી દિલ્હી,તા.11.મે.2022
દુનિયાની સાત અજાયબીઓ પૈકીની એક ગણાતા તાજમહેલના ભોંયરાના ઓરડા ખોલવા માટે હાઈકોર્ટમાં પિટિશન થયા બાદ તેની સુનાવણી હાલ પુરતી ટાળી દેવામાં આવી છે પણ તાજમહેલના અસ્તિત્વને લઈને છાશવારે થતો વિવાદ ફરી છંછેડાયો છે.
તાજમહેલના બેઝમેન્ટના 22 ઓરડા ખોલવા માટેની પિટિશન પર વધુ સુનાવણી ગુરૂવારે થવાની છે ત્યારે જયપુરના રાજવી પરિવારે દાવો કર્યો છે કે, તાજમહેલ અમારી સંપત્તિ છે. રાજવી પરિવારના સભ્ય અને ભાજપના સાસંદ દીયા કુમારીએ કહ્યું હતું કે, તાજમહેલની જગ્યાએ અમારો મહેલ હતો. હવે કોઈએ જ્યારે તાજમહેલના બંધ ઓરડા ખોલવા માટે પિટિશન કરી છે ત્યારે સત્ય ચોક્કસ સામે આવશે.
તેમણે આગળ દાવો કર્યો હતો કે, મારી પાસે એવા દસ્તાવેજો પણ છે જે દર્શાવે છે કે, તાજમહેલમાં પહેલા જયપુરના રાજપરિવારનો પેલેસ ત્યાં હતો. જેના પર શાહજહાંએ કબ્જો કરી લીધો હતો. તે વખતે જયપુરનો રાજ પરિવાર વિરોધ નહોતો કરી શક્યો કારણકે શાસન શાહજહાંનુ હતું.
દીયા કુમારીએ કહ્યું હતું કે ,આજે કોઈ પણ સરકાર કોઈની જમીન લે છે તો જમીન માલિકને વળતર આપે છે. તે સમયે આવો કોઈ કાયદો નહોતો કે જેના હેઠળ અમે અમારી જમીન લેવા સામે વિરોધ નોંધાવી શકતા હતા. હું એવુ નથી કહેતી કે તાજમહેલને તોડી નાંખવો જોઈએ પણ તેના બંધ ઓરડા જરૂર ખોલવા જોઈએ અને આ ઓરડામાં શું છે તેની તપાસ થવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, તાજમહેલ સાથે જોડાયેલા દસ્તાવેજો હું જરૂર પડી તો કોર્ટને આપીશ. અમારી પાસે જે દસ્તાવેજો છે તે કહી રહ્યા છે કે, શાહજહાંને અમારો પેલેસ ગમી ગયો હતો અને તે તેણે લઈ લીધો હતો. આ જમીન અમારા પરિવારની હતી તે ચોકક્સ છે.
ઉલ્લેખનીય છે કે, તાજમહેલના બંધ ઓરડા ખોલવા માટે પિટિશન કરનાર ભાજપના નેતાનું કહેવુ છે કે, બંધ રૂમોમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ હોઈ શકે છે અને માટે તેનો સર્વે થવો જોઈએ.