ભાજપ નેતા પર 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો આરોપ, પક્ષે કરી હકાલપટ્ટી, તપાસ શરૂ
Uttarakhand BJP Leader Accused of Gangrape Murder: ઉત્તરાખંડ (Uttarakhand)માં ભાજપના નેતા અને ઓબીસી કમિશનના સભ્ય આદિત્ય રાજ સૈની(Aditya Raj Saini)નું નામ ગેંગરેપ અને મર્ડર કેસમાં સામે આવ્યું છે. તેમના પર આરોપ છે કે તેમણે એક વ્યક્તિ સાથે મળીને 14 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. ઉપરાંત તેમની સાથે અન્ય આરોપી વ્યક્તિ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 24 જૂનની સવારે પીડિતાનો મૃતદેહ રૂરકી-હરિદ્વાર હાઈવે પરથી મળ્યો હતો. જે અંગે મૃતક બાળકીની માતાએ આદિત્ય રાજ સૈની અને તેના સાથી અમિત સૈની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શું છે ફરિયાદમાં?
અહેવાલ મુજબ, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી અમિત સૈનીએ યુવતીને છેલ્લા છ મહિનાથી લાલચ આપીને સંબંધમાં રાખ્યો હતો, તેના પર બળાત્કાર કર્યો હતો અને પરિવારને ધમકીઓ પણ આપી હતી. પીડિતાની માતાએ આરોપ લગાવ્યો છે કે અમિત સૈની તેની પુત્રીને 23 જૂને સાંજે લગભગ 7 વાગ્યે તેના ઘરેથી લઈ ગયો હતો. જ્યારે પીડિતાની માતાએ તેની પુત્રીને ફોન કર્યો, ત્યારે અમિત સૈનીએ કથિત રીતે ફોન ઉપાડ્યો અને કહ્યું કે છોકરી તેની સાથે છે અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
કઇ કલમો હેઠળ નોંધાયો ગુનો?
આ મામલે આરોપીઓ વિરૂદ્ધ કલમ 120-B (ગુનાહિત કાવતરું), 302 (હત્યા), 363 (અપહરણ), 366 (મહિલાનું અપહરણ), ભારતીય દંડ સંહિતા (IPC)ની 376-A, કલમ 376-D (સામૂહિક બળાત્કાર), 506 (ગુનાહિત ધમકી) અને પોક્સો એક્ટની કલમ 5(G) અને 6 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પોલીસ શું કરી રહી છે?
હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રમેન્દ્ર ડોવલે આ અંગે જણાવ્યું હતું કે આ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ટીમો બનાવવામાં આવી છે અને તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. હાલમાં આ કેસમાં નામ આપવામાં આવેલા લોકો શંકાસ્પદ છે અને તપાસના પરિણામોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
આ ઘટના બાદ ઉત્તરાખંડ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ગરિમા મેહરા દસૌનીએ રાજ્ય સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ઉત્તરાખંડમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો વધી રહ્યા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પાટા પરથી ઉતરી ગઈ છે.એવું લાગે છે કે પોલીસ પ્રશાસન કુંભકરણની જેમ સૂઈ રહ્યું છે.
ભાજપે આપ્યું નિવેદન
ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે આ અંગે કહ્યું છે કે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને પાર્ટીએ આદિત્ય રાજ સૈનીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે. અને કહ્યું કે, ભાજપ આવી હરકતોને ક્યારેય સાંખી લેતું નથી.