ભાજપે ભારતને ચક્રવ્યૂહમાં ફસાવી રાખ્યું : રાહુલ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ભાજપે ભારતને ચક્રવ્યૂહમાં ફસાવી રાખ્યું : રાહુલ 1 - image


- મોદી, અમિત શાહ, ડોભાલ, એ-1, એ-2એ નવુ જ ચક્રવ્યૂહ રચ્યું છે : લોકસભામાં વિપક્ષના નેતાના આકરા પ્રહાર

- અભિમન્યુને છ લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવી મારી નાખ્યા હતા, આજે હિન્દુસ્તાન સાથે આવું જ થઇ રહ્યું છે, ઇન્ડિયા ભારતને બચાવશે

- બજેટનો હલવો બેથી ત્રણ ટકા લોકો જ તૈયાર કરે છે જેમાં એસસી, એસટી, ઓબીસીનો સમાવેશ નહીં 

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત આક્રામક ભાષણ આપીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મહાભારતના ચક્રવ્યૂહને યાદ કરીને છ લોકોના નામ લઇને આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ભારત એક નવા જ પ્રકારના ચક્રવ્યૂહમાં ફસાયેલુ છે, જેનુ સંચાલન છ લોકો કરી રહ્યા છે. સંસદમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને છ લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યા હતા, ચક્રવ્યૂહનું બીજુ નામ  પદ્મવ્યૂહ છે, જે કમળના ફૂલના આકારનું હોય છે, જેની અંદર ડર અને હિંસા હોય છે. ઇન્ડિયા ગઠબંધન આ ચક્રવ્યૂહને તોડશે.

રાહુલે વધુમાં ઉમેર્યું હતું કે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખનારા છ લોકોમાં દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા અને શકુની છે. આજે પણ ચક્રવ્યૂહ રચનારા છ લોકો છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજિત ડોભાલ, મોહન ભાગવત, અડાણી અને અંબાણી. રાહુલ ગાંધીએ આ લોકોના નામ લેતા જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. અધ્યક્ષે રાહુલને અટકાવતા કહ્યું હતું કે તમે વિપક્ષના નેતા છો, તમારા પક્ષના નેતા ગૌરવ ગોગોઇએ લેખિતમાં આપ્યું છે કે જે સંસદનો સભ્ય ના હોય તેનું નામ લેવામાં નહીં આવે. જે બાદ રાહુલ ગાંધીએ અદાણી માટે એ-૧ અને અંબાણી માટે એ-૨ શબ્દનો ઉપયોગ કરીને પણ પોતાના પ્રહારો શરૂ રાખ્યા હતા. 

રાહુલે જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં વધુ એક ચક્રવ્યૂહ તૈયાર કરવામાં આવ્યું છે, જે અભિમન્યુ સાથે થયું તે આજે હિન્દુસ્તાનની સાથે કરવામાં આવી રહ્યું છે. જે રીતે ચક્રવ્યૂહમાં અભિમન્યુને ફસાવવામાં આવ્યા હતા તેવી જ રીતે આજે હિન્દુસ્તાનને ફસાવવામાં આવ્યું છે. ઇન્ડિયા ગઠબંધન આ ચક્રવ્યૂહને તોડશે. આ દેશ ચક્રવ્યૂહને પસંદ નથી કરતો, શિવજીની બારાતને પસંદ કરે છે જેમાં તમામ લોકો સામેલ થઇ શકે છે. સૈન્યના જવાનોને અગ્નિપથના ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા છે. બજેટમાં સરકારે અગ્નિવીરોના પેંશન માટે એક પણ રૂપિયો ન આપ્યો. જે  ચક્રવ્યૂહે ભારતને પોતાના સકંજામાં લીધુ છે તેની પાછળ ત્રણ  તાકતો કામ કરી રહી છે, પ્રથમ તાકાત મૂડીવાદની છે જેમાં માત્ર બે લોકોને ભારતીય સંપત્તિના માલિક બનવા દેવાયા છે, બીજી તાકાત સીબીઆઇ, ઇડી, આઇટી જેવી એજન્સીઓ ને સરકારના વિભાગો છે, ત્રીજી તાકાત રાજનીતિક કાર્યપાલિકા છે. આ ત્રણેય તાકતો ચક્રવ્યૂહના કેન્દ્રમાં છે જેણે દેશને બરબાદ કરી નાખ્યો છે. 

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલે વધુમાં કહ્યું હતું કે મને એવી અપેક્ષા હતી કે બજેટ આ ચક્રવ્યૂહની શક્તિને નબળી પાડી નાખશે અને દેશના ખેડૂતો, યુવાઓ, મજૂરો, નાના વેપારીઓને મદદ મળશે. જોકે કેન્દ્ર સરકારે રજુ કરેલા બજેટમાં આવુ કઇ જ ના થયું અને આમ નાગરિકોને છોડીને માત્ર કેટલાક મૂડીવાદીઓ અને લોકશાહીના ઢાંચાને નષ્ટ કરનારા રાજકીય એકાધિકારને મજબૂતી પ્રદાન કરવામાં આવી હતી. ૨૦ અધિકારીઓએ આ બજેટ તૈયાર કર્યું હતું, જોકે તેમાં માત્ર એક લઘુમતી, એક ઓબીસી છે. તેમાં એક પણ દલિત કે આદિવાસી નહોતા. બજેટ પહેલા બનતા હલવાનો ઉલ્લેખ કરીને રાહુલે કહ્યું હતું કે વર્તમાન સરકારમાં માત્ર બેથી ત્રણ ટકા લોકો જ હલવો તૈયાર કરે છે અને એટલા જ લોકો હલવો ખાય છે, દેશના બાકી લોકોને કઇ જ મળતું નથી.

ચક્રવ્યૂહનું બીજુ નામ પદ્મવ્યૂહ છે, જેને કમળ પણ કહેવાય : રાહુલ ગાંધીનો ટોણો

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મે થોડુ સંશોધન કર્યું, મને જાણવા મળ્યું કે ચક્રવ્યૂહને પદ્મવ્યૂહ પણ કહેવામાં આવે છે. જેનો મતલબ કમળનું ફૂલ થાય છે. ચક્રવ્યૂહ કમળના આકારનું હોય છે. ૨૧મી સદીમાં નવુ ચક્રવ્યૂહ બનાવવામાં આવ્યું છે, તે પણ કમળના ફૂલના આકારનું છે. જેના પ્રતિકને નરેન્દ્ર મોદી પોતાની છાતી પર પહેરે છે. અભિમન્યુ સાથે જે કરવામાં આવ્યું તે હાલ ભારત સાથે થઇ રહ્યું છે.  રાહુલે કહ્યું હતું કે અગ્નિવીરના પરિવારને આર્થિક સહાય નથી મળી, એ-૧, એ-૨નું રક્ષણ કરવા સંસદીય કાર્ય મંત્રી રિજિજૂને ઉપરથી ઓર્ડર મળ્યો છે.

 દેશની ૯૫ ટકા જનતા જાણવા માગે છે કે બજેટમાં તેમની ભાગીદારી કેટલી છે. બેથી ત્રણ ટકાને જ બજેટથી ફાયદો કેમ થઇ રહ્યો છે. બજેટમાં મધ્યમ વર્ગને કઇ જ ન મળ્યું, ખેડૂતો ટેકાના ભાવ માટે કાયદાની માગ કરી રહ્યા હતા મોદી સરકારે તેમને ત્રણ કાળા કૃષિ કાયદા પકડાવી દીધા. 


Google NewsGoogle News