હરિયાણામાં ખટ્ટરની જગ્યાએ નાયબસિંહ સૈની નવા CM,ભાજપે ફરી ચોંકાવ્યા, આજે પાંચ વાગ્યે શપથ
હરિયાણાના રાજકારણમાં આજે ચાર મોટા ઉલટફેર સર્જાયા, જેપીપી સાથે ગઠબંધન તૂટતા મુખ્યમંત્રી ખટ્ટરે રાજીનામું આપ્યા બાદ ભાજપે નવી સરકાર બનાવવાની સાથે નવા મુખ્યમંત્રીનું નામ પણ જાહેર કરી દીધું, તેમ છતાં નવી સરકાર ટકાવવા ભાજપ સામે હજુ પણ પડકાર
Haryana Politics : હરિયાણાના રાજકારણમાં આજે ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આજે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JPP) વચ્ચે ગઠબંધન (BJP JJP Alliance) તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manohar Lal Khattar) રાજીનામું આપી દીધું છે. ભાજપે પણ અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવી લીધો છે અને નવી સરકાર બનાવવાની તૈયારી સાથે નવા મુખ્યમંત્રી નાયબ સૈનિ (Nayab Saini) પર મહોર પણ મારી દીધી છે, જેઓ આજે સાંજે 5.00 વાગે નવા મુખ્મયંત્રી પદના શપથ લેશે. આમ રાજ્યના રાજકારણમાં આજે ચાર મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આજે ભાજપની નવી સરકાર બની જશે, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કુલ 46 ધારાસભ્યોની જરૂર હોય છે. ભાજપે આ જાદુઈ આંકડો હાંસલ પણ કરી લીધો છે. જોકે તેમ છતાં રાજ્યનું બેઠક ગણિત ભાજપ સરકારને ફરી મુશ્કેલીમાં નાખી શકે છે.
બેઠક વહેંચણી મુદ્દે વિવાદ બાદ ગઠબંધન તૂટ્યું
મળતા અહેવાલો મુજબ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)માં બેઠક વહેંચણી મુદ્દે ભાજપ અને જેપીપી વચ્ચે વિવાદ થતા બંનેનું ગઠબંધન તૂટી ગયું છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)એ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J.P.Nadda) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે.
હરિયાણા વિધાનસભાનું ગણિત
હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. આ 90 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે 30 બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળ પાસે 10, હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક અને અપક્ષની છ બેઠકો છે. હરિયાણામાં બહુમત માટે 46 ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તે વખતે ચૂંટણીમાં ભાજપને 41 જ્યારે જેજેપીને 10 બેઠકો મળી હતી.
...તો નવી ભાજપ સરકાર પર ફરી ખતરો
રાજ્યમાં સરકાર બનાવવા 46 ધારાસભ્યોની જરૂર હોય છે, જેમાં 41 બેઠકો ધરાવતા ભાજપને LHPના એક ધારાસભ્યનું અને સાત અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળેલું છે. આવી સ્થિતિમાં ભાજપનું કુલ સંખ્યાબળ 48 પર પહોંચી ગયું છે. ગઠબંધન તૂટ્યા બાદ જેપીપી ભાજપની સરકારને કોઈપણ નુકસાન નહીં પહોંચાડી શકે. જોકે ભાજપ બહુમતીના બોર્ડર પર છે અને જો ત્રણ અપક્ષ ધારાસભ્યો છટક્યા તો ભાજપની સરકાર ફરી ખતરામાં પડી શકે છે.