VIDEO : મધ્યપ્રદેશમાં BJPની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો, રથનો કાચ તૂટ્યો, વાહનોને પણ નુકસાન
ભાજપે કહ્યું, યાત્રાને જનતાનો મળેલો અપાર પ્રેમ જોઈ કોંગ્રેસ ગભરાઈ ગઈ
મધ્યપ્રદેશ કોંગ્રેસે કહ્યું, નીમચમાં ગ્રામીણોએ ભાજપની નકલી યાત્રાનો વિરોધ કર્યો
નિમચ, તા.05 સપ્ટેમ્બર-2023, મંગળવાર
મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા રાજ્યમાં ભાજપની મુશ્કેલી વધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે... ભાજપ દ્વારા આજે નીમચમાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં રથનો કાંચ તૂટી ગયો છે તો કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા પર અચાનક પથ્થરમારો શરૂ થતા હોબાળો મચી ગયો હતો. યાત્રામાં સામેલ કાર્યકર્તાઓ આમ-તેમ ભાગવા લાગ્યા છે... આ દરમિયાન પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરતા પથ્થરમારો કરનારાઓને ખદેડ્યા હતા... પથ્થમારો કર્યા બાદ તમામ લોકો ભાગી ગયા હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ યાત્રાનું ઉદઘાટન કર્યું હતું
મળતા અહેવાલો મુજબ રાજ્યના નીમચ જિલ્લાના મનાસાના રાવલી કુંડમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી, ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગી અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ.મોહમ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. નીમચમાં 4 સપ્ટેમ્બરના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ કરાયો હતો.
મધ્ય પ્રદેશ ભાજપે કોંગ્રેસ સાધ્યું નિશાન
આ ઘટના અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસ ભાજપની જન આશીર્વાદ યાત્રાને જનતાનો મળેલો અપાર પ્રેમ જોઈ ગભરાઈ ગઈ છે. કોંગ્રેસના ગુનેગાર ગુંડાઓ જેમનું મૂળ પાત્ર ગુંડાગીરી જ છે. તેમણે યોજનાબદ્ધ રીતે ઝાડની પાછળ છુપાઈને અમારી યાત્રા પર હુમલો કર્યો. વાહનોના કાંચ તોડ્યા... આવા પ્રકારની ગુન્ડાગીરીનો જવાબ આપવામાં આવશે અને ઘટનાને અંજામ આપનારાઓને છોડાશે નહીં...
કોંગ્રેસે ઘટના અંગે ભાજપ પર કર્યો કટાક્ષ
નીમચમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા પર થયેલા પથ્થરમારા અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું છે કે, નીમચમાં ગ્રામીણોએ ભાજપની નકલી યાત્રાનો વિરોધ કર્યો છે.