ભાજપ રૂ. 7113 કરોડ સાથે સૌથી ધનિક, કોંગ્રેસ પાસે રૂ. 857 કરોડ
- ચૂંટણી પંચે રાજકીય પક્ષોને દાનના ૨૦૨૩-૨૪ના આંકડા જાહેર કર્યા
- ભાજપને ૨૦૨૩-૨૪માં ચૂંટણી બોન્ડ સ્વરૂપે રૂ. ૧૬૮૫.૬૨ કરોડ સહિત રૂ. ૩,૯૬૭.૧૪ કરોડ, કોંગ્રેસને રૂ. ૧૨૨૫.૧૧ કરોડનું દાન મળ્યું
નવી દિલ્હી: ભાજપ વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે ત્યારે દેશમાં તે રૂ. ૭,૧૧૩.૮૦ કરોડના ભંડોળ સાથે સૌથી ધનિક પક્ષ પણ છે જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર રૂ. ૮૫૭.૧૫ કરોડનું ભંડોળ છે તેમ ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતોમાં જણાયું છે. દાન મેળવવામાં ભાજપ તો આગળ છે જ પરંતુ કોંગ્રેસને મળેલા દાનમાં અગાઉના વર્ષની સરખામણીમાં ૮૭ ટકાનો વધારો થયો છે.
ચૂંટણી પંચે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રાજકીય પક્ષો પાસેના ભંડોળની જાહેર વિગતો જાહેર કરી હતી. ચૂંટણી પંચે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટ મુજબ ભાજપ પાસે રૂ. ૭,૧૧૩.૮૦ કરોડનું જંગી રોકડ અને બેન્ક બેલેન્સ છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી વર્ષ હોવાના કારણે ભાજપે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૧,૭૫૪.૦૬ કરોડનો ખર્ચ કર્યો હતો, જે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧,૦૯૨ કરોડના ખર્ચ કરતાં ૬૦ ટકાનો જંગી ઊછાળો દર્શાવે છે. ભાજપને લોકસભા ચૂંટણી પહેલા કુલ રૂ. ૩,૯૬૭.૧૪ કરોડ દાન સ્વરૂપે મળ્યા હતા. જોકે પક્ષને મળેલા કુલ દાનમાં ઈલેક્ટોરલ બોન્ડનો હિસ્સો ઘટીને અડધો થઈ ગયો હતો.
ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ ભાજપને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૨,૧૨૦.૦૬ કરોડનું દાન મળ્યું હતું જ્યારે ૨૦૨૩-૨૪માં તે વધીને રૂ. ૩,૯૬૭.૧૪ કરોડ થઈ ગયું હતું. ભાજપને ચૂંટણી બોન્ડ સ્વરૂપે રૂ. ૧,૬૮૫.૬૨ કરોડ મળ્યા, જે તેના કુલ દાનના ૪૩ ટકા છે. વર્ષ ૨૦૨૨-૨૩માં પક્ષને ચૂંટણી બોન્ડ સ્વરૂપે રૂ. ૧૨૯૪.૧૫ કરોડ મળ્યા હતા, જે કુલ દાનના ૬૧ ટકા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપે ૨૦૨૪માં રૂ. ૫૯૧.૩૯ કરોડ માત્ર જાહેરાત અને પ્રચાર પર ખર્ચ કર્યા હતા.
ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ ભાજપે ૨૦૨૩-૨૪માં એરક્રાફ્ટ-હેલિકોપ્ટર્સ પાછળ રૂ. ૧૭૪ કરોડનો ખર્ચ કર્યો હતો. પક્ષે તેના ઉમેદવારોને રૂ. ૧૯૧.૦૬ કરોડની નાણાકીય સહાય પણ કરી હતી. ભાજપે આ સમયમાં બેઠકો પાછળ રૂ. ૮૪.૩૨ કરોડ અને મોરચા, રેલીઓ, આંદોલન અને કોલ સેન્ટર્સ પાછળ રૂ. ૭૫.૧૪ કરોડનો ખર્ચ કર્યો હતો.
રાજકીય પક્ષોને દાનની બાબતમાં ભાજપ પછી બીજા નંબરે કોંગ્રેસ રહી. ચૂંટણી પંચે જાહેર કરેલા ઓડિટ રિપોર્ટ મુજબ કોંગ્રેસને ૨૦૨૩-૨૪માં રૂ. ૧૨૨૫.૧૧ કરોડનું દાન મળ્યું હતું, જેમાં રૂ. ૧૧૨૯.૬૭ કરોડ ગ્રાન્ટ્સ, દાન અને કન્ટ્રીબ્યુશન મારફત મળ્યા હતા. વધુમાં કોંગ્રેસને ૨૦૨૪માં રૂ. ૮૨૮.૩૬ કરોડ ચૂંટણી બોન્ડ મારફત મળ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મળેલા દાનમાં ૩૨૦ ટકાનો વધારો થયો હતો.
લોકસભા ચૂંટણીના કારણે કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ આગલા વર્ષે રૂ. ૧૯૨.૫૫ કરોડથી વધીને રૂ. ૬૧૯.૬૭ કરોડ થઈ ગયો હતો. કોંગ્રેસે ૨૦૨૩-૨૪માં રૂ. ૨૦૭.૯૪ કરોડ ઈલેક્ટ્રોનિક મીડિયા પાછળ અને પ્રિન્ટ મટિરિયલ માટે રૂ. ૪૩.૭૩ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે વિમાનો-હેલિકોપ્ટર્સ પાછળ રૂ. ૬૨.૬૫ કરોડનો ખર્ચ કર્યો જ્યારે તેના ઉમેદવારોને રૂ. ૨૩૮.૫૫ કરોડની નાણાકીય સહાય કરી હતી. કોંગ્રેસે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે ભારત જોડો યાત્રા-૨ પાછળ રૂ. ૪૯.૬૩ કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે ૨૦૨૨-૨૩માં કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રા પાછળ રૂ. ૭૧.૮૪ કરોડનો ખર્ચ કર્યો હતો.