Get The App

પંજાબમાં ભાજપ નબળી, છતાં કોંગ્રેસ અને આપ છોડીને કેમ આવી રહ્યા છે દિગ્ગજ નેતાઓ?

ભાજપે પંજાબમાં છેલ્લા 28 વર્ષોમાં પહેલી વખત એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
પંજાબમાં ભાજપ નબળી, છતાં કોંગ્રેસ અને આપ છોડીને કેમ આવી રહ્યા છે દિગ્ગજ નેતાઓ? 1 - image


પંજાબમાં ભાજપને અત્યાર સુધી સત્તાની રેસમાંથી બહાર જ જોવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ તે ક્યારેય ચોંકાવનારી સફળતા પ્રાપ્ત નથી કરી શકી. તો પછી છેલ્લા બે દિવસોમાં જ્યારે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુથી લઈને AAPના સુશીલ કુમાર રિંકૂ પણ ભાજપમાં સામેલ થઈ ગયા તો એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, આવું કેમ થઈ રહ્યું છે? એક તરફ ભાજપને પંજાબમાં નબળી પાર્ટી તરીકે જોવામાં આવી રહી છે તો બીજી તરફ અન્ય પાર્ટીના નેતા તેમાં કેમ આવી રહ્યા છે. એ પણ ત્યારે જ્યારે ભાજપે પંજાબમાં છેલ્લા 28 વર્ષોમાં પહેલી વખત એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. 

આની પાછળનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ શહેરી વિસ્તારોમાં મજબૂત છે. આ ઉપરાંત કોંગ્રેસે જે રીતે આમ આદમી પાર્ટી સાથે I.N.D.I.A. ગઠબંધનમાં રહેવાનો નિર્ણય કર્યો છે તેના કારણે તેની શક્યતાઓ નબળી પડી છે. અકાલી દળ એકલુ છે અને તે પહેલાની સરખામણીમાં મજબૂત નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને લાગે છે કે, તેઓ ભાજપમાં જઈને જીત મેળવી શકે છે. રવનીત સિંહ બિટ્ટુ, સુશીલ કુમાર રિંકૂ અને પરણીત કૌર જેવા નેતાઓને ભાજપ ટિકિટ પણ આપી શકે છે. રવનીત સિંહ બિટ્ટુનું પંજાબના રાજકારણમાં મોટું કદ છે અને તેમના દાદા બેઅંત સિંહ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 

બીજી તરફ પરણીત કૌર પણ જાટ શીખ છે જે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે. ભાજપે રાજદ્વારી તરણજીત સિંહ સંધુને પણ પાર્ટીમાં સામેલ કર્યા છે તેઓ પણ જાટ શીખ છે. પંજાબમાં ભાજપને એવા નેતાઓની તલાશ રહી છે જેઓ જાટ શીખ હોય. શીખ પરંપરા સાથે જોડાયેલા નેતાઓના માધ્યમથી ભાજપ ત્યાંના ધાર્મિક લોકો પર પકડ મેળવવા માગે છે જેના પર અકાલી દળ અત્યાર સુધી દાવો કરતું આવ્યું છે. માત્ર હિંદુ મતોના ભરોસે ભાજપને ત્યાં સફળતા મળવી મુશ્કેલ લાગી રહી છે. આવી સ્થિતિમાં આ નેતાઓની એન્ટ્રી તેમના માટે મહત્વની છે. મનપ્રીત બાદલ પહેલાથી જ ભાજપમાં સામેલ છે.

આ ચહેરાઓને કારણે ભાજપને એવા જાટ શીખ નેતાઓ મળ્યા છે જેમનું પંજાબના લોકોમાં જાણીતું નામ છે. અત્યાર સુધી ભાજપ પંજાબમાં શહેરની પાર્ટી તરીકે સીમિત રહી છે. હવે તેમના માધ્યમથી તે ગ્રામીણ વિસ્તારોમાં પણ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. તરનજીત સિંહ સંધુ વિશે વાત કરીએ તો, તે એક એવા પરિવારમાંથી આવે છે જેમનું શીખોમાં ખૂબ સમ્માન છે. તેમના દાદા સરદાર તેજ સિંહ સમુંદરી શિરોમણિ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સ્થાપકોમાંથી એક હતા. અકાલી દળની રાજનીતિ જ SGPC પર આધારિત છે. આવી સ્થિતિમાં સંધુના આગમનથી તેમાં પણ ગાબડુ પાડવાની તક મળશે. 


Google NewsGoogle News