યુનિફોર્મ સિવિલ કૉડ લાવવા માટે ભાજપ કૃતનિશ્ચયી છે : અમિત શાહ
- 'જુવો, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને ભાજપનો એજન્ડા ન માનતા, એ તો સંવિધાન સભાની સંસદ અને વિધાન મંડળોનો મેન્ડેટ છે'
નવીદિલ્હી : કેન્દ્રના ગૃહ તથા સહકાર મંત્રી, અમિત શાહે, ગુરુવારે રાત્રે એજન્ડા- આજતક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેટલાએ મહત્વના મુદ્દાઓ ઉપર પોતાના વિચારો દર્શાવ્યા હતા. જે દરમિયાન તેઓએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે કહ્યું કે, ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યુસીસી સમગ્ર દેશમાં અમલી કરવા માટે કૃત નિશ્ચયી છે. તેમાંથી અમે બે ડગલા પણ પાછા હઠશું નહીં.
સંવાદદાતાએ તેઓને પૂછયું કે, રાજ્યોમાં આમ યુસીસી અંગે વાત કરો છો પરંતુ તે રાષ્ટ્રભરમાં લાગુ કરવા માટે તમારૃં શું મંતવ્ય છે ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'જુઓ તમે તેને ભારતીય જનતા પાર્ટીના એજન્ડા તરીકે દેશની જનતા સામે રજૂ ન કરતા. તે તો સંવિધાન સમયની દેશની સંસદ અને વિધાન મંડળોનો એક મેન્ડેટ હતો. પરંતુ કોંગ્રેસે તેની વોટ બેન્ક માટે યુસીસીને અલગ વૈચારિક વાઘા પહેરાવ્યા.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં સૌથી વધુ વજન યુનિફોર્મ સિવિલ કોડ ઉપર જ મુકયું હતું. યુનિફોર્મ સિવિલ કોડ પ્રમાણે મુસ્લિમો કે આદિવાસીઓને પણ એક પત્ની હયાત હોવા છતાં બીજી પત્ની કરવાનો કાનૂની અધિકાર નહીં રહે. જો તેમ કરે તો, તે સજાપાત્ર બને છે. અત્યારે જે નાગરિક ધારો છે. તે પ્રમાણે સવર્ણ-હિન્દુઓ એક ઉપર બીજી પત્ની કરી શકે નહીં. પરંતુ મુસ્લિમોને તેઓના શરિયા-કાનૂન પ્રમાણે વધુમાં વધુ ૪ પત્નીઓ રાખવાની વર્તમાન ધારો છૂટ આપે છે. તે સર્વવિદિત છે કે માત્ર બહુ ભણેલા મુસ્લિમો સિવાય મોટા ભાગના મુસ્લિમો તો બબ્બે પત્નીઓ કરે જ છે. જે આ યુનિફોર્મ સિવિલ કોડ અમલી થતાં બની નહીં શકે.
આ ધારાનો કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો વિરોધ કરે છે. તો બીજી તરફ શિક્ષિત મુસ્લિમ મહિલાઓ અને શિક્ષિત મુસ્લિમ પુરૂષો તેને આવકારે છે જે ઉલ્લેખનીય છે.