લોકસભા ચૂંટણીની ભૂલોમાંથી ભાજપે બોધપાઠ લીધો, હવે ઉમેદવારોની પસંદગીની નવી ફોર્મ્યૂલા
Image: Wikipedia
BJP Formula: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને યુપી, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઝટકો લાગવા પાછળ કારણ ઉમેદવારોની પસંદગી પણ માનવામાં આવી રહ્યું છે. ભાજપના આંતરિક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપે ઘણાં એવા ચહેરાને રિપીટ કર્યાં હતાં, જેનાથી લોકો નારાજ હતા. જેના પરિણામે આવી અનેક બેઠકો પર હાર થઈ.
આ બાબતમાંથી બોધપાઠ લઈને ભાજપે ભાજપ ઉમેદવારોની પસંદગીમાં નવો પ્રયોગ કરવાનું શરૂ કર્યું છે. આ માટે ભાજપે સીધા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવાનું નક્કી કર્યું છે. ભાજપે રવિવારે હરિયાણામાં જિલ્લા સ્તરે સર્વે કરાવ્યા હતા. અહીં જિલ્લા મુખ્ય કાર્યાલયોમાં મતદાન પણ કરાવાયું, જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને પોતાની પસંદના ત્રણ નામ લખીને આપવાનું કહેવામાં આવ્યું હતું.
આ માટે ભાજપે રાજ્ય એકમ, જિલ્લા, મંડળ અને તમામ મોરચાના નેતાઓને બોલાવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય, સાંસદ અને સ્થાનિક સંસ્થાઓમાં પ્રતિનિધિઓએ પણ મતદાન કર્યું હતું. આ નેતાઓને પૂછવામાં આવ્યું કે, ‘તમે તમારા વિધાનસભા વિસ્તારમાં કયા ત્રણ નેતાઓને ટિકિટના દાવેદાર માનો છો? આ લોકોને એક સ્લિપ અપાઈ હતી, જેમાં જેમાં ત્રણ નામ ભરવાની જગ્યા હતી. આ સ્લિપોમાં ત્રણેય નામ ભર્યા બાદ તેને બોક્સમાં નાખવામાં આવ્યું હતું. ભાજપના એક નેતાએ જણાવ્યું કે ‘આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈ શકાય. તેઓ પોતાને પક્ષની વ્યૂહનીતિમાં સામેલ છે એવું માનીને ચાલે અને ચૂંટણીમાં સારી મહેનત કરે.’
હવે આ પ્રક્રિયા દેશના તમામ જિલ્લામાં અપનાવાશે. ભાજપે હરિયાણામાં જિલ્લા મુખ્ય કાર્યાલય પર મતદાન કરાવ્યું અને વિસ્તારની તમામ બેઠકોને લઈને આ એક પ્રકારનો આંતરિક સર્વે પણ હતો. આ દરમિયાન ચૂંટણી અધિકારીઓની પણ હાજરી રહી. ભાજપ નેતાઓનું કહેવું છે કે હરિયાણાની તમામ 90 બેઠકો પર કાર્યકર્તાઓનો મત છે. ભાજપ એકલું જ તમામ બેઠકો પર જંગમાં ઉતરશે કારણ કે, ભાજપનું અહીં કોઈ સાથે ગઠબંધન નથી. ગઈ વખતે પણ ચૂંટણી પછી જ ગઠબંધન બન્યું હતું કારણ કે, પહેલા ભાજપ એકલું જ ચૂંટણીમાં ઉતર્યું હતું પરંતુ પૂર્ણ બહુમતી ન મળવા પર ગઠબંધન સરકાર બનાવી હતી.
દાવેદારોની યાદી લાંબી, સ્ક્રીનિંગમાં પણ પક્ષને મળશે મદદ
આ સર્વે દરમિયાન કાર્યકર્તાઓએ ઉમેદવાર માટે પસંદના ત્રણ નામ તો ગણાવ્યા જ. આ સાથે જ વિસ્તારની અમુક સમસ્યાઓની પણ નોંધ કરી, જેના ઉકેલની હવે આશા છે. કહેવાઈ રહ્યું છે કે આ સર્વેના આધારે જ ચૂંટણી વ્યૂહનીતિ નક્કી કરાશે. આ સર્વેનું કારણ એ પણ છે કે જાણી શકાય કે લોકોને કયા નેતા પસંદ છે અને કોનાથી તેઓ નારાજ છે. પક્ષમાં ટિકિટના દાવેદારોની પણ લાંબી યાદી છે. આ દરમિયાન તેમના સ્ક્રીનિંગની આ એક પદ્ધતિ ભાજપે શોધી કાઢી છે, જેનો ચૂંટણીમાં તેમને લાભ થાય એવી આશા છે.